ધોરણ 10ના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી : દીકરીઓએ પણ આકાશ આંબ્યુ

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો. 10નું પરિણામ જાહેર થયું છે. આખા ગુજરાતનું 82.56 ટકા પરિણામ જાહેર થયું છે, જે અત્યારસુધીના 30 વર્ષમાં સૌથી ઊંચું છે. સુરત જિલ્લાના ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો સુરત ડિસ્ટ્રીકટનું પરિણામ 86.75 ટકા આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. અત્યારસુધીનું શ્રેષ્ઠ પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પણ ખુશ થઈ ઉઠ્યાં છે. સુરતમાં જાહેર થયેલા પરિણામમાં એ-2 ગ્રેડમાં 12,930, જ્યારે બી-1 ગ્રેડમાં 15,207 વિદ્યાર્થી પાસ થયા છે.

સુરતની 99 શાળાઓનું રેકોર્ડબ્રેક પરિણામ 100 ટકા આવ્યું

સૌથી સારું પરિણામ ભક્તિ ઈન્ટરનેશન સ્કૂલનું ધો. 10 બોર્ડમાં આવ્યું છે. આ શાળાના 27 સ્ટુડન્ટ્સ એ-1 ગ્રેડમાં જ્યારે 49 સ્ટુડન્ટ્સ એ-2 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. આ શાળાનું ઈંગ્લીશ મીડિયમનું 100 ટકા અને ગુજરાતી મીડિયમનું 99.48 ટકા પરિણામ આવ્યું છે.

દીકરીઓની ઊંચી મહત્વાકાંક્ષા

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનું એજ્યુકેશન હબ સુરત જ સાબિત થયું છે. સુરતનું પરિણામ અન્ય શહેરોની સરખામણીમાં ઘણું ઊંચું આવ્યું છે. સુરતના 4870 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં સુરતના 77,466 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતની કુલ 99 શાળાઓનું પરિણામ રેકોર્ડબ્રેક 100 ટકા આવ્યું હતું.

ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ધો. 10માં 97.85 ટકા અને 99.25 પીઆર સાથે એ-1 ગ્રેડમાં પાસ થયેલી પૂર્વ વેકરિયાના પિતા રત્નકલાકાર છે. તેને ભવિષ્યમાં એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીની યાના નાકરાણીને 95.16 ટકા આવ્યા છે. આ વિદ્યાર્થિનીને આઈટી ફિલ્ડમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા છે. તેણીના પિતા પરેશભાઈ એમ્બ્રોઈડરી મશીન ચલાવે છે. અન્ય એક વિદ્યાર્થીની વિકરોતર નિધિ 91.89 ટકા સાથે પાસ થઈ છે. તેણીને પણ ભવિષ્યમાં એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *