હવે તો હદ કરી : NOC હોવા છતાં ફાયર વિભાગ દ્વારા સીલ નહિં ખોલાતા વેપારીઓમાં વધી રહ્યો છે રોષ

શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં ફાયર એનઓસી હોવા છતાં ફાયર વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે દુકાનદારો દ્વારા ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. રાજકોટ હોનારત બાદ શહેરભરમાં ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી વિના ધમધમતાં માર્કેટ, શોપિંગ મોલ્સ અને કોમ્પલેક્ષ સહિતની મિલ્કતો સીલ કરવામાં આવ્યા બાદ એક પખવાડિયા જેટલો સમય થઈ જતાં હવે દુકાનદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગત રોજ 24 કલાકથી ટ્રાફિકથી ધમધમતાં રિગરોડ પર સીલિંગ મુદ્દે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રિંગરોડ ખાતે આવેલ ફોસ્ટાના કાર્યાલયનો ઘેરાવ કરીને ભારે સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલો માંડ માંડ થાળે પડ્યો હતો ત્યારે આજે વધુ એક કોમ્પલેક્ષના દુકાનદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમરોલીમાં આવેલ તુલસી આર્કેડને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. જો કે, કોમ્પલેક્ષના વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ત્રણ દિવસ પૂર્વે જ ફાયર એનઓસી મેળવી લીધું હોવા છતાં ફાયર વિભાગ દ્વારા સીલ દુર કરવામાં આવ્યું નથી. રોજેરોજ લાખો રૂપિયાના વેપાર – ધંધાને નુકસાન પહોંચતું હોવાની હૈયાવરાળ ઠાલવતાં વેપારીઓએ જણાવ્યું હતું કે, ફાયર એનઓસી રજુ કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા સીલ ખોલવામાં આનાકાની કરવામાં આવી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *