સુરતમાં નકલી નોટોનું કારખાનું? 9 લાખના નકલી નોટો સાથે પોલીસે ત્રણને ઝડપી પાડ્યા

સુરતમાંથી નકલી નોટ છાપતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરતના લિંબાયાત વિસ્તારમાં 9 લાખની નકલી નોટો સાથે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. લિંબાયતમાં “સુરત હેરાલ્ડ સાપ્તાહિક” અખબાર તથા SH ન્યુઝ 24×7 ચેનલનો માલિક ન્યુઝ ચેનલની ઓફીસની આડમાં નકલી નોટો છાપવાનું મીની કારખાનુ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હવે ઝડપી પાડી 9 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો તથા નોટો છાપવાની સામગ્રી સાથે ત્રણની અટકાયત કરી છે.

સુરત SOGની ટીમ દ્વારા બાતમીને આધારે આ વિસ્તારમાં સતત બનાવટી ચલણી નોટો છાપતા ઇસમો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે લોકલ ન્યુઝ ચેનલ ચલાવતો એક ઇસમ તેના મળતીયાઓ મારફતે ભારતીય બનાવટી ચલણી નોટો છાપે છે અને કોઈને શંકા ન જાય તે માટે આવી બનાવટી નોટો લિંબાયત વિસ્તારમાં આવેલ શાકભાજીની લારી, પાનના ગલ્લાઓ વિગેરે ઉપર જ વટાવે છે. આ ઇસમ ઉપર છેલ્લા બે મહિનાથી વોચ રાખવામાં આવી રહેલ હતી.

તેમજ પોલીસે આ આરોપીઓને ઝડપી તેઓની ન્યુઝ ચેનલની ઓફીસમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાના મીની કારખાનુ બંધ કરાવ્યું છે. જેમાંથી 9,36,100 રૂપિયાની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પેપર, એક કલર પ્રિંટર, કટર મશીન, લીલા રંગની શાહી વાળી બોલપેન અને ઇન્ક બોટલ, ન્યુઝ ચેનલનુ પ્રેસ આઈ.કાર્ડ, ઇન્ટરવ્યુના માઈક વગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ આરોપી યુ-ટ્યુબ ઉપર નોટો કેવી રીતે છાપવી તે બાબતેના વિડીયો જોઇ અને ઉછીના પૈસા લઈ કલર પ્રિન્ટર, શાહી, નોટો છાપવા માટે તેને ભળતા આવતા કાગળો વિગેરે ખરીદી કરી પોતાની ન્યુઝ ચેનલની ઓફીસમાં ચલણી નોટો છાપવાનુ ચાલુ કર્યું હતું. ત્યારે નોટો છાપવા તેની ઓફીસમાં ત્રણેય ભેગા થયેલ ત્યારે પોલીસે રેડ પાડીને આરોપીઓને પકડી પાડ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *