પોઇચા નદી દુર્ઘટનામાં 15 વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો

શહેરના કટોદરા રોડ પર આવેલ સણિયા હેમાદ ગામની સોસાયટીમાં રહેતા 17થી વધુ લોકો પોઈચા ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. જો કે, ત્યાં એક પછી એક આઠ લોકો નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સુરત ખાતે થતાં જ સોસાયટીના રહેવાસીઓમાં પણ ઘેરી ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.

બીજી તરફ પોઈચા ખાતે આવેલ ભાઠુંમાં સ્થાનિક તરવૈયા સહિત એનડીઆરએફ અને ફાયર વિભાગના જવાનો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ પણ એક પણ હતભાગીનો મૃતદેહ ન મળતાં અંતે આજે સવારથી વધુ એક વખત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં 15 વર્ષીય ભાવેશ વલ્લભભાઈ હડિયાનો મૃતદેહ મળ્યો હતો. વડોદરા ફાયર વિભાગ અને એનડીઆરએફ સહિત અલગ – અલગ આઠથી વધુ ટીમો દ્વારા હજી પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને સંભવતઃ સાંજ સુધીમાં અન્યોના મૃતદેહ મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સણીયા હેમાદ ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં આહિર સમાજ દ્વારા એક પખવાડિયા પહેલાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તાહનું આયોજન બાદ સોસાયટીના રહેવાસીઓએ પોઈચા ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા માટેનું આયોજન ઘડ્યું હતું. જેને પગલે ગત રોજ વહેલી સવારે અલગ – અલગ પરિવારના 17થી વધુ લોકો પોઈચા ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવામાં માટે પહોંચ્યા હતા. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાને કારણે પાણીના વહેણમાં એક પછી એક આઠ જણ તણાઈ ગયા હતા. જેને પગલે નદીના કિનારે હાજર અન્ય લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા આઠ વ્યક્તિઓ પૈકી મગન જીંજાળાને બચાવવામાં સફળતા સાંપડી હતી. જો કે, પાણીમાં ગરકાવ થયેલા 45 વર્ષીય ભરત બલદાણિયા તેમનો 12 વર્ષીય પુત્ર આરવ બલદાણિયા અને 15 વર્ષીય પુત્રી મૈત્રય બલદાણિયા સહિત 11 વર્ષીય વ્રજ હિંમતભાઈ બલદાણિયા, 7 વર્ષીય આર્યન રાજુ જીંજાળા, 15 વર્ષીય ભાર્ગવ અશોક હડિયા અને 15 વર્ષીય ભાવેશ વલ્લભભાઈ હડિયાને બચાવવા માટે સ્થાનિક માછીમારો અને તરવૈયાઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે, પાણીના વહેણને કારણે સાતેય જણની કોઈ ભાળ ન મળતાં તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને વડોદરા મહાનગર પાલિકાના ફાયર વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

બીજી તરફ આ કરૂણાંતિકાની જાણ સુરતમાં થતાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પણ સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ હતી. એક જ સોસાયટીમાં રહેતા છ – છ માસુમ બાળકો સહિત ભરત બલદાણિયા પાણીમાં ગરકાવ થયા હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓની હાજરી વચ્ચે મોડી રાત્રે લગભગ એક વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ અંધારાને કારણે કોઈ ખાસ સફળતા ન મળતાં પુનઃ સવારે 40થી વધુ જવાનો અને સ્થાનિક માછીમારો અને તરવૈયાઓ દ્વારા પાણીમાં ગરકાવ થયેલા હતભાગીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સવારે છ વાગ્યે 15 વર્ષીય ભાવેશ હડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માસુમના મૃતદેહને રાજપીપળા ખાતે પીએમની કાર્યવાહી માટે રવાના કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના સ્થળથી ચાર કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો

ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા બાળકો સહિત 17 વધુ નાગરિકો પોઈચા ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે પહોંચ્યા બાદ જે હોનારત સર્જાઈ હતી. તેને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આજે સવારે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ભાવેશ હડિયાનો મૃતદેહ મળી આવતાં વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, જે સ્થળેથી આ બાળકો સહિત ભરત બલદાણિયા પાણીમાં ગરકાવ થયા હતા ત્યાંથી ચાર કિલોમીટર દુર ભાવેશ હડિયાનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક માછીમારોથી માંડીને એનડીઆરએફ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન સાંજ સુધીમાં અન્યોના મૃતદેહ મળી આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *