ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકશાન : વળતરની કરાઈ માંગ

સુરત સહિત આસપાસના વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે અચાનક ભારે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં એક તબક્કે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે, માવઠાંને પગલે સૌથી વધુ નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે. ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં ઉનાળું ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન પહોંચતાં ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ઓલપાડ તાલુકામાં ગણતરીનાં કલાકોમાં 31 મીમી વરસાદ નોંધાતા ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ડાંગરનો ઉભો પાક સ્વાહા થઈ ગયો છે. મોટા ભાગના ખેતરોમાં ખેડૂતોએ ડાંગરનો પાકની કાપીને ભેજ દુર કરવા માટે રાખ્યો હતો. જો કે, વરસાદને પગલે ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 108થી વધુ ગામોમાં દર વર્ષે ઉનાળુ પાકમાં ડાંગરનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. આ સિવાય ખેડૂતો દ્વારા શાકભાજી અને શેરડીની રોપણ પણ કરવામાં આવે છે. જો કે, ગઈકાલે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થતાં ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. ડાંગરનો પાક તૈયાર થઈ જતાં મોટા ભાગના ખેડૂતો દ્વારા ડાંગરનો પાક કાપીને ખેતરમાં જ ભેજ સુકવવા માટે મુકી રાખવામાં આવ્યો હતો. અલબત્ત, ગત રોજ સાંજથી 40થી 50 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવન અને વરસાદને પગલે ખેતરમાં મુકવામાં આવેલ ડાંગરનો પાક નાશ પામી ચુક્યો છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ માત્ર ઓલપાડ તાલુકામાં જ ગઈકાલે સાંજ છ વાગ્યાથી આજે સવાર સુધીમાં 31 મીમી વરસાદ નોંધાયો છે. જેને કારણે ભરઉનાળામાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. આજે વહેલી સવારથી ખેતરોમાં પહોંચેલા ખેડૂતો પાકની દુર્દશા જોઈને નિરાશ નજરે પડ્યા હતા. આ સિવાય ભારે પવન સાથે માવઠાંને કારણે ડાંગર સહિત તલ અને મગ સહિત કેરીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.

વહેલી તકે ખેડૂતોને વળતર મળવું જોઈએઃ જયેશ પટેલ

ઓલપાડ અને આસપાસના ગામોમાં માવઠાંને કારણે ઉનાળું ડાંગર સહિત તલ અને મગના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. આ સંદર્ભે ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ચાર – ચાર માવઠાંને પગલે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં ઉનાળુ ડાંગરની કાપણીની સિઝન ચાલું હોવાથી મોટા ભાગનો પાક માવઠાંને કારણે નાશ પામ્યો છે. તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માવઠાંને કારણે ખેડૂતોને પહોંચેલા નુકસાની અંગેના સર્વેની કામગીરીનું સ્વાગત કરવાની સાથે જણાવ્યું હતું કે, ઓલપાડ સહિતના આસપાસના ગામોમાં વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરીને ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય મળે તેવી તજવીજ હાથ ધરવામાં આવે તો ખેડૂતોને ખરા અર્થમાં રાહત મળશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *