ભાજપનો ગઢ ગણાતી નવસારી – બારડોલી બેઠક પર પાર્ટીને લીડની ચિંતા

મતદાન આડે વેકેશન, ગરમી અને લગ્નગાળાનું ગ્રહણ
બપોર પહેલાં જ મતદારોને મતદાન મથકે પહોંચાડવાની તજવીજ

બારડોલી અને નવસારી સહિત સમગ્ર રાજ્યની 25 લોકસભા બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. આવતીકાલે યોજાનાર ચુંટણી માટે મતદારોમાં નિરસતાને પગલે ભારતીય જનતા પાર્ટી સહિતના પક્ષોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને નવસારી અને બારડોલી બેઠક પર ભાજપના નિશ્ચિત જીત હોવા છતાં નેતાઓને લીડની ચિંતાની સતાવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. એક તરફ લગ્નસરા તો બીજી તરફ ગરમીને પગલે મતદાનની ટકાવારી પર નિશ્ચિતપણે વિપરીત અસર પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં આવતીકાલે વહેલી સવારથી જ મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર સહિત પાર્ટીના કાર્યકરોને પણ નવ નેજા પાણી આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાજપનો ગઢ ગણાતી નવસારી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સીઆર પાટીલની સામે કોંગ્રેસના નૈષધ દેસાઈએ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. છેલ્લા ત્રણ ટર્મથી ઐતિહાસિક લીડ સાથે સાંસદ બનનારા સીઆર પાટીલની આ વખતે પણ નિશ્ચિત જીત માનવામાં આવી રહી છે. જો કે, સુરત લોકસભા બેઠકની અડીને આવેલ નવસારી લોકસભા બેઠક પર મતદારોમાં હજી પણ નિરસતા જોવા મળી રહી છે. જેને પગલે છેલ્લા એક સપ્તાહથી ખુદ સીઆર પાટીલ દ્વારા ઠેર – ઠેર જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. સને 2019માં કોંગ્રેસના ધર્મેશ પટેલને 6.89 લાખ વોટથી પરાજીત કરનારા સી આર પાટીલ માટે આ વખતે પણ ઐતિહાસિક વિજય સાથે 10 લાખની લીડ મળે તે માટે સ્થાનિક ભાજપના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

બીજી તરફ બારડોલી બેઠક પર છેલ્લા બે ટર્મથી સાંસદ તરીકે ચુંટાઈ આવતાં ભાજપના પરભુ વસાવા સામે આ વખતે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી ચુંટણી લડી રહ્યા છે. એક તબક્કે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર છેલ્લા બે ટર્મથી ભાજપના પરભુ વસાવા ભારે લીડ સાથે ચુંટાઈ આવ્યા છે. ગત લોકસભાની ચુંટણીમાં પરભુ વસાવા સામે કોંગ્રેસના તુષાર ચૌધરીને 2.15 લાખ વોટથી હાર સ્વીકારવી પડી હતી. આમ, આ બંને બેઠકો પર ભાજપના નિશ્ચિત વિજય હોવા છતાં ઓછું મતદાન થાય તો તેની સીધી અસર લીડ પર જોવા મળશે. આ સ્થિતિમાં ભાજપ દ્વારા છેલ્લા 24 કલાકથી ડોર ટુ ડોર પ્રચારથી માંડીને મોબાઈલ અને સોશિયલ મીડિયા પર પણ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક વહીવટી તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રયાસો વચ્ચે છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો વધી રહેલો પારો મતદાનની ટકાવારી પર સીધી અસર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને બપોરેના સુમારે લુ સાથે કાળઝાળ ગરમીમાં મતદારો મતદાન મથકે પહોંચશે કે કેમ તેની ચિંતા હાલ જોવા મળી રહી છે. આ સિવાય હાલમાં લગ્નની સિઝનની સાથે – સાથે વેકેશન હોવાને કારણે પણ મોટા ભાગના સૌરાષ્ટ્રવાસી અને ઉત્તર ભારતીય નાગરિકો વતનની વાટ પકડી ચુક્યા છે. જેને કારણે પણ મતદાનની ટકાવારી પર પ્રતિકુળ અસર જોવા મળી શકે છે.

2019માં નવસારીમાં 66.40 ટકા મતદાન થયું હતું
2008થી અસ્તિત્વમાં આવેલી નવસારી લોકસભા બેઠક પર પહેલી ચુંટણી 2009માં થઈ હતી. સુરતની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી સહિત નવસારી જિલ્લાની જલાલપોર, નવસારી અને ગણદેવી વિધાનસભા બેઠકો ધરાવતી નવસારી લોકસભા બેઠક પર અત્યાર સુધી નિરંતર સી આર પાટીલનો વિજય થયો છે અને આ જ બેઠક પરથી સી આર પાટીલ સમગ્ર દેશમાં સૌથી વધુ 6.89 લાખના માર્જીન સાથે વિજય થવાનો રેકોર્ડ પણ પ્રસ્થાપિત કરી ચુક્યા છે. જો કે, ગત લોકસભાની ચુંટણીમાં નવસારી બેઠક પર 66 ટકાથી વધુ મતદાન થયું હતું. કુલ 13 લાખથી વધુ મતદારો પૈકી ભાજપના સી આર પાટીલને 9.72 લાખ વોટ મળ્યા હતા. આમ, આ વખતે લીડમાં વધારો કરવા માટે ભાજપ દ્વારા મતદાનની ટકાવારી 66 ટકાથી વધુ થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

બારડોલીમાં 2019માં 73 ટકાથી વધુ મતદાન નોંધાયું
સુરતની માંગરોળ, માંડવી, કામરેજ અને બારડોલી સહિત તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકો ધરાવતી બારડોલી લોકસભા બેઠક પણ સને 2008માં અસ્તિત્વમાં આવી હતી. જે એક તબક્કે કોંગ્રેસના તુષાર ચૌધરીનો ગઢ ગણાતી હતી. જો કે, છેલ્લા બે ટર્મથી આ બેઠક પર ભાજપના પરભુ વસાવાનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ગત 2019ની લોકસભાની ચુંટણીમાં બારડોલી બેઠક પર રેકોર્ડબ્રેક 73.89 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 13.49 લાખ મતદારો પૈકી 7.42 લાખ મતદારોએ ભાજપના પરભુ વસાવાને વોટ આપ્યા હતા. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીને 5.26 લાખ મતો મળ્યા હતા. અલબત્ત, છેલ્લી બંને લોકસભાની ચુંટણીમાં આ બેઠક પર 73થી 74 ટકા મતદાન વચ્ચે આ વખતે મતદાનની ટકાવારીમાં ઘટાડો થાય તેવી ચિંતા જોવા મળી રહી છે.

મતદાન માટે સીઆર પાટીલની મતદારોને અપીલ
પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારી બેઠકના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા આજરોજ તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લોકસભામાં મતદાનનું મહત્વ અમુલ્ય છે. જો કે, ઘણી વખત આળસ સહિતના કારણોસર મતદારો દ્વારા મતદાન કરવામાં ન આવતાં લોકશાહીને નુકસાન પહોંચે છે. મતદાન માટે વહીવટી તંત્ર સહિત સામાજીક સંસ્થાઓ દ્વારા પણ અનેક જનજાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવતાં હોવાનું જણાવતાં તેઓએ આવતીકાલે મોટી સંખ્યામાં નાગરિકોને અચુક મતદાન કરવાની સાથે – સાથે લોકશાહીને મજબુત કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *