ગુજરાત એટીએસ દ્વારા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઈએસકેપી) સાથે સંકળાયેલ સુરતની એક મહિલાની ધરપકડને પગલે શહેરમાં ચર્ચાનો દૌર શરૂ થઈ ચુક્યો છે. અલબત્ત, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આ મહિલાને હાલ અમદાવાદ એટીએસ કચેરી ખાતે લઈ જવામાં આવી છે જ્યાં તેની પ્રાથમિક પૂછપરછ બાદ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદરથી ભારત છોડવા માટેની યોજના બનાવી રહેલા ત્રણ આરોપીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આઈએસકેપી સાથે સંબંધ ધરાવતાં આ ત્રણેય આતંકવાદીઓની પ્રાથમિક પૂછપરછમાં તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. બીજી તરફ અન્ય બે વ્યક્તિ ઝુબેર અહબેમદ મુનશી અને સુમરેબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ આઈએસકેપીના સભ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખુદ એટીએસના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. કટ્ટરપંથીઓની બાતમીના આધારે તાત્કાલિક સુરતમાં સૈયદપુરા ખાતે આવેલ બેગ-એ-ફિઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતી સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેકની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે એટીએસની ટીમ દ્વારા સુમેરા બાનુના ઘરે દરોડો પાડવામાં આવતાં આઈએસકેપી સંબંધીત પ્રકાશનો મળી આવ્યા હતા. જેને પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ચોંકી ઉઠી હતી. સુમેરાબાનુની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન વધુમાં જાણવા મળ્યું હતું કે, તે હેન્ડલર અબુ હમઝા સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ તે નજીકના સંબંધમાં હતી.
સુમેરા બાનુ મલેકના પતિ સાથે છુટાછેડા થઈ ચુક્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે. કટ્ટરપંથી સુમેરા બાનુ મલેકના ઘરેથી એટીએસને આઈએસકેપી નેતા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી. હાલ એટીએસ દ્વારા સુમેરાબાનુ મલેકને અમદાવાદ એટીએસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી છે અને જ્યાં તેની સઘન પૂછપરછ બાદ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરવામાં આવશે. હાલમાં મહિલા આરોપીના મોબાઈલ ફોન સહિતની સામગ્રીની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરતમાં અન્ય કોઈ કટ્ટરપંથી સાથે તેનો સંપર્ક છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધવામાં આવી છે.
Leave a Reply
View Comments