સંતરામ મંદીર પાસે, કાલસર, તા. ઠાસરા, જીલ્લો. ખેડા મુકામે રહેતા ભારતીબેન પટેલ વારંવાર ચક્કર આવવાની ફરિયાદ કરતા તેમની દિકરી મયુરી તેમને બોરસદમાં આવેલ શ્રદ્ધા હોસ્પીટલમાં નિદાન માટે લઈ ગઈ હતી. ત્યાં MRI કરવામાં આવતા નાના મગજની નસમા ફુગ્ગો હોવાનું નિદાન થવાથી પરિવારજનોએ તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં તા. ૦૫.ઓક્ટોમ્બર ના રોજ ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યા. ૬ ઓક્ટોબર ના રોજ ડોકટરે સર્જરી કરી મગજની નસમાં જે ફુગ્ગો થયો હતો તે દુર કર્યો હતો.
તા. ૮ ઓક્ટોબર ના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ભારતીબેનને બ્રેનડેડ જાહેર કર્યા.
કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી ભારતીબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી ભારતીબેનની પુત્રી મયુરી, જમાઈ સાગર, ભત્રીજા પિયુષ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.
ભારતીબેનની પુત્રીએ જણાવ્યું કે મારા મમ્મી ખુબજ ધાર્મિક વૃતિના હતા. તેઓ વારંવાર જણાવતા હતા કે શરીર તો બળીને રાખજ થઇ જવાનું છે, ત્યારે મૃત્યુ પામ્યા બાદ પણ આપણે કોઈક વ્યક્તિને ઉપયોગી થઇ શકીએ તો અંગદાન કરવું જોઈએ, આજે જયારે મારા મમ્મી બ્રેઈનડેડ છે ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપી તેમની ઈચ્છા પૂર્ણ કરો. ભારતીબેનના પતિ કનુભાઈ જુલાઈ મહિનામાં હૃદય રોગના હુમલા થી મુત્યુ પામ્યા હતા.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.ગૌરવ ચૌબલ અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૨૨ વર્ષીય યુવાનમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બીલીમોરાના રહેવાસી ૫૩ વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી ૬૧ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં ભારતીબેનની પુત્રી મયુરી, જમાઈ સાગર, ભત્રીજા પિયુષ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૪૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૩૮ કિડની, ૧૮૬ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૧ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૪૦ ચક્ષુઓના દાનથી કુલ ૯૫૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Leave a Reply
View Comments