Surties : ચુંટણીની જાહેરાત સાથે જ આચાર સંહિતા લાગુ થતાં શહેરભરમાંથી સરકારી બેનરો હોર્ડિંગ્સ દુર કરવાની કામગીરીનો પ્રારંભ

ચુંટણી પંચ દ્વારા ગઈકાલે બપોરે ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ ચુક્યો છે. આ સ્થિતિમાં સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા પણ શહેરમાં ઠેર – ઠેર લગાવવામાં આવેલા સરકારી યોજનાઓના હોર્ડિંગ્સ – બેનરો ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરી દીધો હતો.

ગુરુવારે ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણીની વિધિવત્ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિધાનસભા ચુંટણીનું આયોજન કરવામાં આવશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચુંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આચાર સંહિતાના અમલનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે. જેને પગલે સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા પણ આચાર સંહિતના અમલ માટે કમ્મર કસી લેવામાં આવી હતી.

ગુરુવારે બપોરે ચુંટણીની જાહેરાત બાદ જ ગણતરીનાં સમયમાં સુરત પાલિકાના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અલગ – અલગ વિસ્તારોમાં ટ્રાફિક આયલેન્ડથી માંડીને રસ્તાઓ પર ઠેર – ઠેર લગાવવામાં આવેલા સરકારી યોજનાની જાહેરાતોના બોર્ડને ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સુરતના રસ્તાઓ, સર્કલ અને અનેક હોર્ડિગ્સ પર સરકારી જાહેરાત હતી. શહેરમાં સરકારી યોજના ના જાહેરાત ના સંખ્યાબંધ હોર્ડિંગ્સ લાગ્યા હતા. આચા સંહિતા પ્રમાણે આ પ્રકારના તમામ હોર્ડિગ્સ. બેનર કાઢવાના હોય તંત્ર દ્વારા જાહેરાતની સાથે જ બેનર- હોર્ડિંગ્સ ઉતારવા માટેની ટીમ રવાના કરી દીધી હતી.

શહેરના રસ્તા પર ટેમ્પો અને લારીઓ સાથેની આ ટીમે એક પછી એખ તમામ જગ્યાએથી બેનર-હોર્ડિગ્સ કાઢવાનું શરુ કરી દીધું હતું. ગણતરીના કલાકોમાં તો શહેરના અનેક રસ્તાઓ પરથી સરકારી યોજનાના હોર્ડિગ્સ કાઢી લેવામાં આવ્યા હતા.