Surties : રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત સાથે નાનપુરા ટી એન્ડ ટીવી હાઈસ્કુલ ખાતે સ્ટ્રોંગ રૂમ સીલ

ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત સાથે જ એક તરફ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ત્યારે બીજી તરફ ચુંટણી પંચ દ્વારા પણ આચાર સંહિતના અમલ સાથે વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં સુરત શહેર – જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં આચાર સંહિતાના ભાગરૂપે 70 ફ્લાઈંગ સ્કવોડ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે, હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાની ચુંટણીને પગલે સ્ટ્રોંગ રૂમ સીલ કરવાની સાથે – સાથે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
વિધાનસભા ચુંટણીની જાહેરાત સાથે જ ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ સ્થિતિમાં સુરત જિલ્લા કલેકટર કચેરીમાંથી પહેલા જ દિવસે દાવેદારો દ્વારા 93 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા હતા. આ સિવાય જિલ્લા કલેકટર કચેરી દ્વારા પણ ચુંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતાના અમલ માટે અલગ – અલગ વિસ્તારોમાં 70 ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત કરી દેવામાં આવી છે. ચુંટણી પંચ દ્વારા 100 મિનીટમાં કોઈપણ ફરિયાદના નિકાલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શનિવારના રોજ આચાર સંહિતા ભંગની 67 ફરિયાદો મળી હતી જેનો ગણતરીનાં સમયમાં નિકાલ કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય આજે નાનપુરા ખાતે આવેલ ટી એન્ડ ટીવી હાઈસ્કુલમાં સ્ટ્રોંગ રૂમને સીલ કરવાની સાથે રાઉન્ડ ધ ક્લોક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.