‘જુઓ કેવું કામ થાય છે’ ચહલે ડ્રેસિંગ રૂમની પોલ ખોલી. મસાજ, જમવાનું સહિત બધું જ બતાવી દીધું

Surties

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો રાયપુર પહોંચી ગઈ છે. આ બધી વાતોની વચ્ચે ભારતીય ટીમના ખેલાડી યજુવેન્દ્ર ચહલે પોતાની સ્ટાઈલમાં ખેલાડીઓની સાથે રાયપુરના સ્ટેડિયમ અને ડ્રેસિંગ રૂમની અંદરની માહિતી આપી. ચહલનો આ વિડીયો BCCIએ શેર કર્યો છે.

ચહલે પહેલા રાયપુર સ્ટેડિયમના વખાણ કર્યા હતા. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે રાયપુરના ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. આગળ, ચહલે ડ્રેસિંગ રૂમની અંદરનું વાતાવરણ રમૂજી રીતે બતાવ્યું. આ દરમિયાન ચહલ પણ ઈશાન કિશન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

ચહલે મસાજ ટેબલ વિશે અને ખેલાડીઓની સારવાર દરમિયાન તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે સમજાવ્યું. વિડીયો બનાવતી વખતે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ ચહલ સાથે મજાક કરતો જોવા મળ્યો હતો. રોહિત શર્માએ મજાકમાં ચહલને કહ્યું, તારું ભવિષ્ય સારું છે.

વિડીયોમાં ચહલે ખેલાડીઓના ફૂડ વિશે પણ જણાવ્યું હતું. ડ્રેસિંગ રૂમના ફૂડ કોર્નર પર પહોંચેલા ચહલે ફૂડના આખા મેનુ વિશે માહિતી આપી. ચહલે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે કઈ કઈ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. ચહલનો આ ફની વિડીયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.