Surties : SVNIT કેમ્પસમાં ખાળકુવાની સફાઈ દરમ્યાન બેનાં મોત, એક ગંભીર

શહેરની એસવીએનઆઈટી કોલેજના કેમ્પસમાં આજે સવારે ખાળકુવાની સફાઈ માટે ઉતરેલા ત્રણ સફાઈ કામદારોને ગુંગળામણ થતાં તેઓ 15 ફુટ જેટલા ઉંડા ખાડામાં જ બેહોશ થઈ ગયા હતા. આ દુર્ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા લાશ્કરો દ્વારા ખાળકુવામાં ઉતરેલા ત્રણેય સફાઈ કામદારોના રેસક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, ખાળકુવામાં ઉતરેલા ત્રણ પૈકી બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે એક અન્ય ઘાયલ મજુરને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે આ ગોઝારી દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

દુર્ઘટના અંગે ફાયર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે શહેરના પીપલોદ ખાતે આવેલ એસવીએનઆઈટી કોલેજમાં ખાળકુવાની સફાઈ માટે ત્રણેક કામદારો પહોંચ્યા હતા. અંદાજે 15થી 17 ફુટ ઉંડા ખાળકુવામાં સૌ પ્રથમ ભટારના આઝાદ નગર ખાતે રહેતા 42 વર્ષીય કાદિર ઈસાદ મિયાં નામક શ્રમિક ઉતર્યો હતો. જો કે, કાદિર મિયાં બેભાન થઈ જતાં તેને બચાવવા માટે માત્ર 14 વર્ષીય સત્યમ હરેન્દ્ર શાહ પણ ખાળકુવામાં ઉતર્યા હતા. કોઈપણ પ્રકારના સેફટીના સાધનો વિના 17 ફુટ જેટલા ઉંડા ખાળકુવામાં ઉતરેલા આ બન્ને કામદારોને ગુંગળામણ થતાં તેઓને બચાવવા માટે ખુદ કોન્ટ્રાક્ટર શ્રવણ બત્યાએ પણ ખાળકુવામાં ઉતરવાનું નક્કી કર્યું અને તે પણ બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર દુર્ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં ભારે ચકચાર ચમી જવા પામી હતી. આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં અડાજણ, મજુરા અને વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. ઓક્સીજન માસ્ક સાથે ફાયર વિભાગના જવાનોએ ખાળકુવામાં ઉતરેલા ત્રણેય મજુરોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. દોરડાઓ બાંધીને ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ એક પછી એક ત્રણ શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જો કે, ખાળકુવામાંથી બહાર કાઢવામાં આવેલા ત્રણેય શ્રમિકો પૈકી કાદિર ઈસાદ મિયાં અને સત્યમ હરેન્દ્ર શાહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે કોન્ટ્રાક્ટર શ્રવણ બત્યાની હાલત ગંભીર હોવાને કારણે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

સેફટીના સાધનોના અભાવે મોત નિપજ્યાં

સુરત સહિત સમગ્ર દેશમાં છાશવારે ખાળકુવા અને ગટરની સફાઈની કામગીરી દરમ્યાન સેફટીના સાધનોના અભાવે કામદારોના મોતની ઘટનાઓ બનતી રહી છે. આજે પણ એસવીએનઆઈટી કોલેજ કેમ્પસમાં ખાળકુવાની સફાઈ માટે ઉતરેલા ત્રણેય સફાઈ કામદારો પૈકી એક પણ શ્રમિકે ઓક્સીજન સહિતના સેફટીના સાધનોની ધરાર અવગણના કરી હતી. અંદાજે 17 ફુટ જેટલા ઉંડા ખાળકુવામાં ઓક્સીજનનું પ્રમાણ નહિવત્ હોવાને કારણે ગણતરીનાં સમયમાં જ આ ત્રણેય કામદારોના શ્વાસ રુંધાઈ ગયા હતા અને બચવા માટે પ્રયાસ કરે તે પહેલાં જ તેઓ ખાળકુવામાં બેભાન થઈ ગયા હતા. જો કે, ફાયર વિભાગના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરતાં હાલ એક શ્રમિકનો જીવ બચાવવામાં સફળતા સાંપડી છે. અલબત્ત, હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા શ્રવણ નામના સફાઈ કામદારાની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક સત્યમ છ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ

ભટાર ચાર રસ્તા ખાતે આવેલ તળાવ ફળિયામાં રહેતા માત્ર 14 વર્ષીય તરૂણ સત્યમ હરેન્દ્ર શાહના મોતને પગલે પરિવારજનોમાં હૈયાફાટ રૂદનથી સિવિલ કેમ્પસમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી. છ બહેનો વચ્ચે એકનો એક ભાઈ સત્યમ આજે સવારે એસવીએનઆઈટી રાબેતા મુજબ કામ કરવા માટે પહોંચ્યો ત્યારે તેઓની છ બહેનો અને માતા – પિતાને સ્વપ્નેપણે ખ્યાલ ન્હોતો કે આજે તેમનો લાકડવાયા ભાઈ ઘરે પરત નહીં પહોંચે. સત્યમના મોતની જાણ થતાં જ સમગ્ર પરિવારજનોના માથે આભ તુટી પડ્યું હતું. શરૂઆતમાં તો સત્યમની બહેનો આ સમગ્ર ઘટનાને માનવાનો જ ઈન્કાર કરી રહી હતી અને સિવિલ પહોંચ્યા બાદ આ બહેનો સત્યમના મૃતદેહને નિહાળીને બેશુદ્ધ થઈ ગઈ હતી.

પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ

સમગ્ર ઘટનામાં સફાઈ કામદારો પ્રત્યે ગંભીર લાપરવાહી દાખવનાર કોન્ટ્રાક્ટર શ્રવણ હનુમંતરાય બત્યા ખુદ અત્યારે જીવન – મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અલબત્ત, સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સહિત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર વિરૂદ્ધ સખ્ત પગલાં ભરવાની સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન મેયર હેમાલી બોઘાવાલા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારગ્રસ્ત શ્રવણની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ તેને હરસંભવ સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની હૈયાધરપત આપી હતી.