Surties : ધૂમ સ્ટાઇલમાં ગાડી હંકારી સ્ટંટબાજી કરનારા બાઈકર્સ સામે પોલીસે કરી લાલ આંખ

શહેરના ડુમસ રોડ પર આવેલા પોશ વિસ્તારોમાં પોલીસે ફૂલ સ્પીડમાં ચલાવતા મોટર સાયકલ ચાલકો સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી હતી. ઝોન-4 પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને કુલ 125 હાઈસ્પીડ મોટરસાઈકલ જપ્ત કરી હતી અને ચાલકો સામે MV એક્ટ અને CrPC હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

ઝોન-4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાગર બાગમારે જણાવ્યું હતું કે ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમસ રોડ, યુનિવર્સિટી રોડ, વીઆઈપી રોડ અને અન્ય માર્ગો પર રાત્રિના સમયે ઘણા બાઇકરો હાઇ સ્પીડ મોટરસાઇકલ સાથે આવે છે. તેઓ બાઇકને વધુ ઝડપે ચલાવે છે અને બાઇક પર વિવિધ સ્ટંટ કરીને તેઓ અન્ય ડ્રાઇવરો માટે જોખમી બની જાય છે.

બેફામ સ્પીડ અને સ્ટંટ પર પોલીસનો હુમલો.આ અંગે સ્થાનિક લોકો તરફથી અનેક વખત ફરિયાદો મળી છે. ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પહેલા આ બાઈકર્સનું દુષણ દૂર કરવા માટે ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાય જંકશન, કારગીલ ચોક, કેનાલ રોડ અને વીઆઈપી રોડના મુખ્ય આંતરછેદો પર વિવિધ પોલીસ સ્ટેશનના 40 પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવીને તૈનાત કરવામાં આવી હતી.