ટીવી અભિનેત્રી હેતલ યાદવ હાલમાં ડેઇલી સોપ ‘ઇમલી’માં શિવાની રાણાના રોલમાં જોવા મળી રહી છે. અહેવાલ છે કે અભિનેત્રી રવિવારે રાત્રે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. હેતલને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘જ્વાલા’ના પાત્રથી મળી હતી. શૂટિંગમાંથી ઘરે પરત ફરતી વખતે હેતલની કારને એક ટ્રકે ટક્કર મારી હતી, જેના પછી તે આઘાતમાં સરી પડી હતી.
ઈ-ટાઇમ્સના અહેવાલ મુજબ, હેતલ યાદવે કહ્યું કે તે રવિવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે ફિલ્મ સિટીથી પેક કરીને નીકળી હતી. અભિનેત્રી જેવીએલઆર હાઈવે પર પહોંચી કે તરત જ એક ટ્રકે તેની કારને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં હેતલની કાર ફ્લાયઓવરની કિનારે પહોંચી ગઈ હતી અને હાઈવે પરથી નીચે પડવાની તૈયારીમાં હતી. જોકે, બાદમાં તેણે થોડી હિંમત કરીને કાર રોકી અને તેના પુત્રને ફોન કરીને પોલીસને જાણ કરી. આ ઘટના બાદ અભિનેત્રી ઊંડો આઘાતમાં સરી પડી હતી.
અકસ્માતમાં હેતલ યાદવને ગંભીર ઈજા થઈ નહોતી, અકસ્માતનો ભોગ બનેલી હેતલ બીજા દિવસે સવારે જ શૂટિંગ પર પહોંચી ગઈ હતી. તેણીએ કહ્યું કે, મને કોઈ નુકસાન થયું ન હતું અને વહેલી સવારે સેટ પર પહોચવું પડે તેમ હતું, કારણ કે તેઓ શોમાં એક મહત્વપૂર્ણ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા.
હેતલ યાદવ હાલમાં સુપરહિટ શો ‘ઇમલી’માં શિવાની રાણાનું પાત્ર ભજવી રહી છે. અભિનેત્રીએ છેલ્લા 25 વર્ષમાં નાના પડદા પર ઘણી પડકારજનક ભૂમિકાઓ ભજવી છે. હેતલ યાદવે ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી પરંતુ બાદમાં તે એક્ટિંગમાં ગઈ હતી.
Leave a Reply
View Comments