રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકીય પાર્ટીઓ દ્વારા ડ્રગ્સ મુદ્દે કરવામાં આવી રહેલા દૂષ્પ્રચારને જડબાતોડ જવાબ આપતાં આજે ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાનની ભરપેટ પ્રશંસા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી 6500 કરોડ રૂપિયાની કિંમતની ડ્રગ્સ ઝડપાયું છે અને આ આંકડો વધી પણ શકે છે. ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ માત્ર રાજ્યમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી ડ્રગ્સના દૂષણને નાથવા માટે કટિબદ્ધ છે અને જેના ભાગરૂપે જ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો અલગ – અલગ રાજ્યોમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે. તેઓએ ડ્રગ્સ મુદ્દે કરવામાં આવી રહેલી રાજનીતિથી યુવાઓને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશના યુવાઓનું ભવિષ્ય અંધકારમય બનાવનારા ડ્રગ્સના દૂષણ મુદ્દે ક્યારેય કોઈપણ પક્ષે રાજનીતિ કરવી જોઈએ. આ એક સામાજીક દૂષણ છે અને તેના વિરૂદ્ધ આ પ્રકારના અભિયાન થકી જ સાર્થક પરિણામો મેળવી શકાય છે.
ગત રોજ કોલકાતામાં 280 કરોડ રૂપિયાના 39 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચની ટીમની મહત્વપૂર્ણ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ક્રાઈમ બ્રાંચની ટીમને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમ્યાન તેઓએ કલેકટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદમાં ડ્રગ્સના દૂષણ વિરૂદ્ધ ગુજરાત પોલીસના અભિયાનને વધાવી લીધું હતું. તેઓએ જણાવ્યું હતું કે, એક તરફ દુનિયાના દેશોમાં જ્યાં ડ્રગ્સનું દૂષણ પેશન સ્ટેટમેન્ટમાં તબ્દીલ થઈ ચુક્યું છે ત્યારે દેશમાં હજી પણ ડ્રગ્સનું દૂષણ અંકુશમાં છે. છેલ્લા એક વર્ષમાં જ માત્ર ગુજરાતમાંથી 6500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. માત્ર દેશના જ નહીં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના નેટવર્કને પણ નેસ્તનાબૂદ કરવામાં ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણ વિરૂદ્ધ જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે જ આજે દેશની ડીઆરઆઈ – કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓ સાથે મળીને એક પછી એક ડ્રગ્સ પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. દેશમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે જે રીતે ડ્રગ્સ મુદ્દે રાજનીતિ કરવામાં આવી રહી છે તેનો હર્ષ સંઘવી દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, માત્ર ગુજરાતમાંથી જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે. એટલું જ નહીં ગુજરાત પોલીસની જ પ્રશંસનીય કામગીરીને પગલે આજે દેશના મોટા ભાગના ડ્રગ્સના નેટવર્ક ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં જ દિલ્હીમાં ઝડપી પાડવામાં આવેલા એક હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સમાં પણ ગુજરાત પોલીસની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આ નેટવર્ક તુટવાને કારણે કોને તકલીફ થાય છે તે આ દેશના યુવાનો સારી રીતે જાણે છે. પંજાબની જેલમાંથી ઓપરેટ થતાં બગ્ગા ખાનના ડ્રગ્સ નેટવર્ક નેસ્તનાબૂદ કરવામાં ગુજરાત પોલીસની કામગીરીને ખુદ પંજાબની પોલીસ દ્વારા પ્રશંસા કરવામાં આવી હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. આ દરમ્યાન તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે તે જોતા આ આંકડાઓના આધારે અન્ય રાજ્યની પોલીસ અને સરકારો દ્વારા અભ્યાસ કરવો જોઈએ.
રિવોર્ડ પોલીસી અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ
ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં ગુજરાત પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા પાછળ ગુજરાત સરકારની રિવોર્ડ પોલીસી કારગર સાબિત થઈ રહી છે. જેનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન શરૂ કરવા સાથે જ રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન થકી સાર્થક પરિણામો મળે તે માટે એક નવી રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી છે. જેના માટે એક અલાયદું ફંડ ઉભું કરવામાં આવ્યું છે અને આ પોલિસીના આધારે જ હવે ડ્રગ્સના વેપલાથી માંડીને પેડલરોની રજેરજની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચી રહી છે. રિવોર્ડ પોલીસીને કારણે ગુજરાત પોલીસને મળી રહેલી સફળતાથી પ્રેરાઈને હવે દેશના અન્ય રાજ્યો પણ આ પોલિસીના અનુકરણ માટે પ્રેરાઈ રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
પોલીસ એફિડેવિટ મુદ્દે ફાઈનાન્સ વિભાગને ખો
ગુજરાત સરકાર માટે ગળાનું હાડકું સાબિત થઈ રહેલી પોલિસ એફિડેવિટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ તરફ ઈશારો કરતાં જણાવ્યું હતું કે, જો આ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવશે તો આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થશે. હાલમાં પે – ગ્રેડ મુદ્દે રાજ્યભરના પોલીસ કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પોલીસ જવાનોને વેતન ભત્તા સહિતના લાભો સાથે એફિડેવિટ મુદ્દે વધુ એક વખત વિવાદનો વંટોળ ઉભો થયો છે. ત્યારે આ સંદર્ભે હવે હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એફિડિવેટનો ઈશ્યૂ દુર કરવા માટે ફાઈનાન્સ વિભાગને જણાવવામાં આવ્યું છે અને આ સંદર્ભે વિભાગ દ્વારા મંજુરી મળ્યા બાદ આ સમસ્યાનું પણ સમાધાન કરવામાં આવશે.
કોંગ્રેસ પહેલા કાર્યાલયના દરવાજા ખોલેઃ સંઘવી
આજરોજ કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ મુદ્દે હર્ષ સંઘવીએ કોંગ્રેસની નીતિ – રીતિ વિરૂદ્ધ શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓ પહેલા પોતાના બંધ પડેલા કાર્યાલયના દરવાજા ખોલવા જોઈએ. આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનું આ આહ્વાન ધરાર નિષ્ફળ સાબિત રહ્યું છે અને હવે કોંગ્રેસના નેતાઓ – કાર્યકરો પાસે કોઈ અન્ય મુદ્દાઓ ન હોવાને કારણે જ આ પ્રકારના બંધના આહ્વાન થકી પોતાની રાજનીતિ ટકાવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Leave a Reply
View Comments