સુરતના(Surat ) પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવાન ગતરોજ શાકભાજી લઇ ચાલતા ચાલતા ડીંડોલીના પ્રમુખપાર્ક ઓવરબ્રિજ નીચેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાર ઈસમોએ તેને અટકાવ્યો હતો. આ ચાર પૈકી એક ઈસમે એ મોબાઈલ હમે દે દે તેમ કહી મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવાને મોબાઈલ ન આપતા ચારેય ઈસમોએ તેને ઢોર માર મારી ચાર પૈકી એક ઈસમે પોતાની પાસેનું ચપ્પુ કાઢી યુવકને ચારથી પાંચ ઘા મારી દઈ મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા હતા. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પાંડેસરામાં આવેલ બી.આર.સી. વિમલભાઇના કલાસીક મશીનના ખાતામાં રહેતો ૨૧ વર્ષીય દિલીપભાઇ મોહનભાઇ વસાવાએ ગતરોજ ચાર ઈસમો સામે ડિંડોલી પોલીસ મથકમાં લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિલીપે જણાવ્યું હતું કે તે ગતરોજ ડિંડોલીમાં માનસી રેસીડેન્સી ડોડીયાવાડ પાસે આવેલ શાકભાજી માર્કેટમાંથી શાકભાજી લઈ ચાલતા ચાલતા પ્રમુખપાર્ક ઓવરબ્રીજની નીચેથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે અચાનક ચાર ઇસમો તેની પાસે આવી ગયા હતા અને તે પૈકી બે ઇસમોએ તેને પકડી રાખ્યો હતો.
અન્ય એક ઇસમે હિન્દીમાં યે મોબાઇલ હમે દે દે તેમ કહી મોબાઇલ ખેંચવા લાગતા દિલીપે મોબાઇલ ફોન આપ્યો ન હતો. જેથી ચોથા ઇસમે તેની પાસે રાખેલ ચપ્પુથી દિલીપને શરીરે ખભા ઉપર, ગળા ઉપર, છાતી ઉપર ડાબી તરફ તથા પેટ ઉપર ડાબી બાજુએ ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. તે લોહીલુહાણ થઇ ત્યાં જ ઢળી પડ્યો હતો અને ચારેય ઈસમો તેનો મોબાઈલ લઇ ફરાર થઇ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર દિલીપે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
Leave a Reply
View Comments