સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર શહેરમાં ગુનાખોરીને ડામવામાં નિષ્ફળ સાબિત થયા છે. એક તરફ પોલીસ ફૂટ પેટ્રોલિંગ, સાઇકલ પેટ્રોલિંગ, નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ નાઇટની કામગીરીની મોટી મોટી વાતો કરે છે ત્યારે બીજી બાજુ શહેરમાં ગંભીર ગુનાઓ બનતા પોલીસ અટકાવી શકતી નથી. શહેરમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, છેડતી જેવા ગંભીર બનાવો બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરથાણા, ખટોદરા અને લીંબાયત વિસ્તારમાં ત્રણ અલગ અલગ છેડતીના ગુનાઓ દાખલ થયા છે. જેમાં ખટોદરામાં ટયુશન કલાસીસના શિક્ષક દ્રારા સગીર વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી છે. જયારે બીજા બનાવમાં રીક્ષા ચાલક દ્વારા બાળકીની છેડતી કરવામાં આવી છે અને સરથાણામાં બિલ્ડિંગમાં જ રહેતા યુવક દ્વારા પરિણીતાની છેડતી કરવામાં આવી છે.
ખટોદરામાં શિક્ષક દ્રારા સગીર વિદ્યાર્થીનીની છેડતી
ખટોદરા વિસ્તારમાં રહેતા બેન્ક કર્મચારીના ઘરે આરોપી મો.આસીફ ઓ.સમીમ સરસવાલા (ઉ.વ.૩૯ રહે, ઝમઝમ પાર્ક લુહાર શેરી સગરામપુરા) તેના દીકરા અને દીકરીને મેથ્સ, સાયસન્સ, ઈગ્લીશ તેમજ સોશ્યલ સાયન્સના વિષયનો અભ્યાસ કરાવવા માટે જાય છે. ગત તા 15મીના રોજ મો. આસીફ જે વિદ્યાર્થીને ટ્યુશન કરાવવા માટે જતો હતો તે વિદ્યાર્થી તેના મામાના ઘરે ગયો હતો. જેથી વિદ્યાર્થીની માતાએ તેને તેની 14 વર્ષીય દીકરીને ભણાવવાનું કહી બીજા રૂમમાં સાફ સફાઈના કામમાં લાગી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન આસીફએ રૂમમાં એકલતા નો લાભ ઉઠાવી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યા હતા. તેમજ સગીરાને આજે મને ઘરે જવાનું મન થતુ નથી કહી દરવાજા પાસે જતા જતા હગ કરી આઈ લવ યુ કહ્યું હતું. મો. આસીફના ગયા બાદ સગીરા રડતી રડતી તેની માતા પાસે ગઈ હતી અને ટયુશનના સરને બદલી નાંખ તેવુ કહેતા તેની માતાએ શાંતીથી પુછપરછ કરતા સગીરાએ શિક્ષક આસીફની કરતુત અંગે કહેતા ચોકી ઉઠ્યા હતા. જેથી બનાવ અંગે ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મો. આસીફ સરસવાલા સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
લીંબાયતમાં રીક્ષા ચાલક દ્વારા સાત વર્ષની બાળકીની છેડતી
શહેરના લીંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કડક કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દાવા વચ્ચે એક ઓટો રીક્ષા ચાલકે માત્ર સાત વર્ષની બાળકીની સરજાહેરમાં છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની વિગત એવી છે કે લિંબાયત વિસ્તારમાં રહેતા પરિવારે તેની સાત વર્ષ નવ માસની બાળકીને ઘરેથી સ્કુલ અને સ્કુલથી ઘરે લાવવા લઈ જવા માટે લિંબાયત મહાદેવનગરમાં રહેતા મહેશ વાતુજી ખડગીને કાયમી માટે રિક્ષા બાંધી રાખી હતી. ગઈકાલે સ્કુલમાં રજા હોવા છતાંયે મહેશ સાત વર્ષની માસૂમ બાળકીને સ્કુલના બહાને ઘરેથી લઈ ગયો હતો. રીક્ષામાં બાળકીની એકલતાનો લાભ ઉઠાવી મહેશ રીક્ષાને રોડની બાજુમાં સાઈડમાં પાર્ક કરી હતી. રીક્ષાના બંને બાજુના પડદા પાડી દઈ રીક્ષામાં પાછળની સીટમાં જઈ બાળકીને પોતાના ખોળામાં બેસાડી છેડતી કરી હતી. રીક્ષા ચાલક મહેશ ખડગીની કરતુત અંગે બાળકીએ ઘરે ગયા બાદ તેના પરિવારને જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. જેથી આખરે બનાવને પગલે માસુમ બાળકીના પરિવારે રીક્ષા ચાલક મહેશ ખાડગી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સરથાણામાં બિલ્ડિંગમાં જ રહેતા યુવક દ્વારા પરિણીતાની છેડતી
શહેરના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં રહેતા યુવકે તેની બિલ્ડિંગમાં જ રહેતી પરિણીતા પર દાનત બગાડી હતી. બનાવની વિગત એવી છે કે સરથાણા શયમધામ મંદિર પાસે આવેલ રિવેરા લકઝરિયામાં રહેતો નિકુંજ રમેશભાઈ કાથરોટીયાએ સાત મહિના પહેલા તેની જ બિલ્ડિંગમાં રહેતી એક પરિણીતા પર દાનત બગાડી હતી. પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે તકનો લાભ ઉઠાવી તે ઘરમાં ઘુસી ગયો હતો અને પરિણીતાની છેડતી કરી બિભત્સ માંગણી કરી હતી. એટલું જ નહિ પરંતુ હવસખોર નિકુંજે પરિણીતાને નિર્વસ્ત્ર કરવાના ઈરાદે કપડા ખેંચી માર માર્યો હતો અને બાદમાં તેણીને ફોન નહી કરે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે શરૂઆતમાં બિલ્ડિગમાં સાથે જ રહેવાનું હોવાથી પરિણીતાએ આ વાતની જાણ કોઈને કરી ન હતી. પરંતુ બાદમાં નિકુંજનો ત્રાસ વધતો જતો હતો. જેથી આખરે ન છૂટકે ગતરોજ પરિણીતાએ નિકુંજ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે સરથાણા પોલીસે પરિણીતાની ફરિયાદ લઇ નિકુંજ સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નિકુંજ સામે ગુનો દાખલ થતા તે ફરાર થઇ ગયો હતો.
Leave a Reply
View Comments