પીપીપી ધોરણે શહેરના વરાછા ખાતે આવેલ માનગઢ ચોક સર્કલના વિકાસની કામગીરીમાં સંસ્થા દ્વારા માનગઢ ચોકના નામનો જ છેદ ઉડાવી દેવામાં આવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. આ સંદર્ભે હવે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને રજુઆત કરવામાં આવતાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરના વરાછા ખાતે આવેલ માનગઢ ચોકને ડેવલપ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પીપીપીના ધોરણે એક સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યો હતો.
જોકે, આ સંસ્થા દ્વારા માનગઢ ચોક સર્કલને ડેવલપ કરવાની સાથે – સાથે ચોકનું નામ જ બદલી નાખવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. પાટીદાર અનામત આંદોલનથી માંડીને મોટા ભાગની રાજકીય રેલીઓ અને ધાર્મિક કે સામાજીક સંસ્થાના કાર્યક્રમો માટે વરાછામાં અલગ ઓળખ સ્થાપિત કરનારા માનગઢ ચોકના વિકાસ સાથે સાથે તેની ઓળખ ભુંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પીપીપી મોડલ હેઠળ માનગઢ ચોકને ડેવલપ કરવા માટે રોટરી ક્લબ સાથે મહાનગર પાલિકા દ્વારા કરાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રોટલ ક્લબ સુરત ઈસ્ટ દ્વારા માનગઢ ચોકનું નામ જ દુરી કરવાની સાથે સાથે આ સર્કલને રોટરી સર્કલ તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસોને સ્થાનિકોએ વખોડી કાઢ્યો હતો. જેને પગલે આજે સવારથી વહીવટી તંત્ર દોડતું નજરે પડ્યું હતું અને આ સમગ્ર પ્રકરણમાં તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
Leave a Reply
View Comments