Surties : આ છે સ્માર્ટ સીટી ? સુરતમાં ત્રણ દિવસથી ખાડીના પાણી ઉતરવાનું નામ નથી લઇ રહ્યા

Surties: This is Smart City? For three days in Surat, the water of the bay is not coming down
Creek Water (File Image )

દેશની સ્માર્ટ સિટીમાં અવ્વલ ગણાતું સુરત શહેરનું વહીવટી તંત્ર ખાડી પુર સામે લાચાર નજરે પડી રહ્યું છે. છેલ્લા ત્રણ – ત્રણ દિવસથી હજ્જારો પરિવારોની સાથે – સાથે વહીવટી તંત્ર માટે સિરદર્દ સાબિત થઈ રહેલ મીઠી ખાડી પુરના પાણી આગામી 24 કલાકમાં ઓસરે તેવી શક્યતાઓ નહિવત્ નજરે પડી રહી છે. આ સ્થિતિમાં ખાડી પુરથી પ્રભાવિત નાગરિકો જન્માષ્ટમીનો તહેવાર પુરના પાણીમાં જ ઉજવવા માટે મજબુર બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં ઉપરવાસમાં વરસાદના આંશિક વિરામ છતાં લિંબાયતમાંથી પસાર થતી મીઠી ખાડીના સ્તરમાં ઘટાડો ન થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ આજે પણ યથાવત્ રહેવા પામી છે. લિંબાયત ઝોન અને મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારોમાંથી પાણી ઉલેચવા માટે ગઈકાલથી જ રાઉન્ડ ધ ક્લોક યુદ્ધસ્તરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 28 ડીવોટરિંગ પમ્પ દ્વારા ખાડી પુરના પાણી દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ઝોન કચેરીના છ, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને ઉકાઈથી મંગાવવામાં આવેલ 50 એચપીના 10 પમ્પ તેમજ 60 એચપીના 8, 40 એચપીના બે અને 30 એચપીના બે પમ્પો અલગ – અલગ વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા છે.

મંગળવારની સવારથી જ મીઠી ખાડી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઋષિ વિહાર, વામ્બે આવાસ, પરવત ડેપો વિસ્તાર, ડુંભાલ ટેનામેન્ટ વિસ્તાર, પરવટ ગામતળ સહિત કમરૂ નગર, બેઠી કોલોની જેવા વિસ્તારોમાં ત્રણથી ચાર ફુટ સુધીના પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંદાજે એક લાખ જેટલા નાગરિકો છેલ્લા ત્રણ દિવસથી ખાડી પુરની હાલાકીને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હજી પણ આગામી 24 કલાક સુધી ખાડી પુરના પાણી ઓસરે તેવી શક્યતાઓ નહિવત નજરે પડી રહી છે. આ સ્થિતિમાં આજે સવારે મીઠી ખાડી તેની ભયજનક સપાટી 9.35ની સામે 8.70 મીટર પર વહી રહી છે. જેને પગલે સારોલી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાઈ રહેવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે.