Surties : પૈસા પડી ગયાનું કહી ટેમ્પો ચાલકની નજર ચૂકવી 1.46 લાખની ચોરી

વેડરોડ પર રહેતો અને ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવાનને ઠગબાજ ગઠિયો ભેટી ગયો હતો. યુવાન અલગ અલગ વેપારીઓના કરિયાણાના સામાનના પૈસા ઉઘરાણી કરી પુણામાં આઈમાતા રોડ પર આવેલ વિજયનગર સોસાયટી પાસે ટેમ્પો લઈને ઉભો હતો. આ સમયે એક ઈસમ તેની પાસે આવી તમારા પૈસા પડી ગયા છે તેમ જણાવ્યું હતું. જેથી ટેમ્પો ચાલક નીચે ઉતરી પૈસા લેવા ગયો ત્યારે ચોર ઈસમે ટેમ્પોમાંથી ગીયર બોક્ષની બાજુના પેસેજમાં મુકેલા રોકડા રૂપિયા 1.46 લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જેથી ડિલિવરી બોયએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પૈસા પડી ગયાનું કહી ટેમ્પો ચાલકની નજર ચૂકવી ૧.૪૬ લાખની ચોરી

બનાવની વિગત એવી છે કે વેડરોડ રામજીનગર સોસાયટી પાસે મ્રુગશિર્શ એપાર્ટમેન્ટમાં રહેતા કલારામ સખારામ માળી (ઉ.વ.42) ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. કલારામ ગત તા 4 ના રોજ મોડી સાંજે સાતેક વાગ્યે વરાછા રીજીયન ખાતે આવેલ અલગ અલગ કરિયાણાની દુકાનમાંથી કરિયાણા સામાનના બિલના કુલ રૂપિયા 1,46,375 રૂપિયાની ઉઘરાણી કરી હતી. ઉઘરાણી કર્યા બાદ તેમણે આ પૈસા ટેમ્પોમાં ગીયર બોક્ષની બાજુમાં પેસેજમાં મુક્યા હતા.

ત્યારબાદ તેઓ ટેમ્પો લઈને પુણાગામ આઈમાતા રોડ વિજયનગર સોસાયટીમાં આવેલા પુજા ટ્રેડર્સ ખાતે કરિયાણાનો સામાનની ડિલેવરી કરી કંપની તરફ જવા માટે નિકળવાની તૈયારી કરતા હતા. આ સમયે એક અજાણ્યો તેમની પાસે આવી તમારા પૈસા ટેમ્પોમાંથી પાછળના ભાગમાં પડી ગયા છે હોવાનું જણાવ્યું હતું. જેથી કલારામ ટેમ્પોમાંથી ઉતરી પાછળ જઈને જોવા જતા ક્યાંય પણ પૈસા પડેલા દેખાયા ન હતા. જોકે આ સમયગાળા દરમિયાન ચોર ઈસમ ટેમ્પોમાં ગિયર બોક્ષની બાજુમાં મુકેલ ઉઘરાણીના રૂપિયા 1.46 લાખ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે ક્લારામે પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.