Surties : ચોરોની હોંશિયારી ! વરાછામાં હીરાના ખાતામાંથી 3.24 લાખના હીરા ચોરી કરતા પહેલા તસ્કરોએ સીસીટીવી કેમેરાનું પીન પ્લગમાંથી કાઢી કેમેરા બંધ કરી દીધા

સુરતના (Surat) વરાછા વિસ્તારમાં મિનીબજાર(Minibajar) ખાતે આવેલ ઠાકોરદ્વાર સોસાયટીમાં હરિકુષ્ણા કોર પ્રોસેસ નામના હીરાના ખાતાને ગતરોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો ખાતાના મુખ્ય દરવાજાને મારેલ લોક તોડી અંદર પ્રવેશ્યા હતા. ખાતામાં આવતાની સાથે જ ચોર ઈસમોએ સીસીટીવી કેમેરાની પીન પ્લગમાંથી કાઢી નાખી કેમેરા બંધ કરી દીધા હતા અને બાદમાં ખાતામાંથી 3.24 લાખના હીરાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે બીજા દિવસે ખાતાના માલિકને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મોટા વરાછા સુદામા ચોકની પાછળ લીંબટીમાં રહેતા 42 વર્ષીય મનહરભાઈ શંભુભાઈ ભંડેરી વરાછા ઠાકોરદ્રાર સોસાયટીમાં હરિકુષ્ણ કોર પ્રોસેસના નામે હીરા જાબવર્કનું ખાતુ ધરાવે છે. મનહરભાઈના ખાતામાં ફોર-પી મશીન નંગ-3 છે.

દરમિયાન રવિવારે રાત્રેના સુમારે તસ્કરોએ મનહરભાઈના ખાતામાં ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાનો લોક તોડીને અંદર ઘુસેલા તસ્કરોએ ફોર-પી મશીન ઉપર મુકેલ પ્લેટોમાં રાખેલ ડાય સાથેના હીરા ડાય સાથે લઈ ગયા હતા. જે ડાયમાં 42.36 કેરેટ વજનના 753 હીરા જેની કિંમત રૂપિયા 3,24,000 થાય છે. જે ચોરી કરી નાસી ગયા હતા.

તસ્કરોએ વાપરી હોંશિયારી

તસ્કરોએ સીસીટીવીનું પીન પ્લગમાંથી કાઢી નાંખી કેમેરા બંધ કરી દીધા હતા. બીજા દિવસે સવારે મનહરભાઈ ખાતામાં ગયા ત્યારે હીરા ચોરી થયા હોવાનું બહાર આવતા ફરિયાદ નોંધાવી હતી.