Surties : ચડ્ડીધારી ગેંગનો આતંક, હથિયારો સાથે ટોળકી થઈ સીસીટીવીમાં કેદ

સુરત (Surat) શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. જેના કારણે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સરસાણા વિસ્તારમાં ચડ્ડી ધારી ટોળકી દ્વારા ઘરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. તેમને જાણે કોઈ ભય ન હોય તેમ તસ્કરો હાથ સાફ કરી રહ્યા છે. આ ટોળકી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

 

સીસીટીવીમાં કેદ થઈ ચડ્ડીઘારી ગેંગ

ચોરીની ઘટનાથી સરસાણા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું હતું કે આઠથી દસ તગડી ટોળકી માલસામાનની ચોરી કરીને નાસી ગઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી જોઈને ગ્રામજનો પણ ડરી ગયા છે. એક-બે નહીં પરંતુ 8 થી 10 તસ્કરોની ટોળકી મોડી રાત્રે એકસાથે ગામમાં પ્રવેશે છે અને પછી ચોરીને અંજામ આપીને ભાગી જાય છે.

જે રીતે ઘરમાં ચોરી થઈ છે તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ચડ્ડીધારી ટોળકી એકદમ હોંશિયાર છે. તેઓ અલગ-અલગ સાધનો વડે દરવાજા અને બારીઓ તોડીને ઘરમાં પ્રવેશ કરે છે અને કોઈને તેની જાણ પણ થતી નથી. પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવાય તો આવી ઘટનાઓ અટકાવી શકાય તેમ સ્થાનિકોનું માનવું છે. ચડ્ડી-ધારી ગેંગ જેવી સક્રિય ગેંગમાં ભયનું વાતાવરણ હોવું જોઈએ.

એકતરફ સુરત પોલીસ નાઈટ પેટ્રોલિંગ અને ગુનાખોરી ઉકેલવાના આટલા દાવા કરે છે તો બીજી તરફ ગુનેગારો પોલીસને સતત પડકાર ફેંકતા હોય તેવા બનાવો સતત વધી પણ રહયા છે. જે તરફ પણ પોલીસે ધ્યાન આપવું જરૂરી છે.