Surties : તાપી નદીના પાણીમાં જલ્દી થશે ઘટાડો, હવે ઉકાઈમાંથી તબક્કાવાર પાણી છોડવાનું ઓછું કરાયું

સુરત શહેર – જિલ્લાના અલગ – અલગ વિસ્તારોમાં આજે હળવા વરસાદી ઝાપટાને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. બીજી તરફ સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે આજે બપોરે ઈનફ્લો 1.20 લાખ ક્યુસેકને પાર પહોંચ્યો છે. આ સ્થિતિમાં ડેમની સપાટી પણ વધીને 334 ફુટને પાર પહોંચી છે. હાલની સ્થિતિમાં ડેમમાંથી તાપી નદીમાં 87 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી છે. જો કે, તાપી નદીમાં છેલ્લા બે દિવસથી છોડવામાં આવી રહેલા પાણીમાં ક્રમશઃ ઘટાડો થતાં સીધી અસર કોઝવેની સપાટી પર જોવા મળી રહી છે. આજે કોઝવેની સપાટી 7.30 મીટર સુધી પહોંચી જવા પામી છે, જે એક તબક્કે 9 મીટરને વટાવી ચુકી હતી.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગુરૂવારથી મેઘરાજાએ વિરામ લેતાં ઈનફ્લોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તબક્કે ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલીને બે લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. જો કે, હાલ ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાની સાથે હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહેલા પાણીના જથ્થામાં ઘટાડો નોંધાતા આજે બપોરે એક વાગ્યે ઉકાઈ ડેમમાં ઈનફ્લો 1.20 લાખ ક્યુસેક સુધી પહોંચ્યો છે. ગઈકાલથી તંત્ર દ્વારા ઉકાઈ ડેમના ઈનફ્લો સામે આઉટફ્લોમાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવતાં આજે સવારે ઉકાઈ ડેમની સપાટી 334.09 ફુટે પહોંચી છે. હાલ ઉકાઈ ડેમના સાત દરવાજા છ ફુટ સુધી ખોલવાની સાથે 87 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ દરમ્યાન, હવામાન વિભાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારથી સુરત શહેર – જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા નોંધાવા પામ્યા છે. જે પૈકી બારડોલીમાં ચાર મીમી, મહુવામાં છ મીમી અને માંડવીમાં 11 મીમી જ્યારે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં પાંચ અને લિંબાયતમાં બે મીમી વરસાદને બાદ કરતાં મોટા ભાગના તાલુકાઓ અને ઝોન વિસ્તારોમાં વાદળોની સંતાકુકડીને બાદ કરતાં મેઘરાજાએ વિરામ લીધો હતો.