શહેરના (Surat )કુંભારિયા વિસ્તારમાં યુવતી સાથે સામુહિક બળાત્કારની ચકચારિત ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પ્રેમી સાથે કુંભારિયા ગામથી દેવધ તરફ જતા રસ્તા પર બેસેલ યુવતી સાથે પાંચ – પાંચ નરાધમો દ્વારા સામૂહિક બળાત્કારની ઘટનામાં રાત – દિવસના ઉજાગરા અને ભારે જહેમત બાદ આજે પોલીસે ત્રણ નરાધમોની ધરપકડ કરી છે.
છુટ્ટક મજુરી કામ કરતાં અને ન્યૂ બોમ્બે માર્કેટની પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા આ ત્રણેય નરાધમોએ યુવતીના પ્રેમીને બંધક બનાવ્યા બાદ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં વોન્ટેડ અન્ય બે આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ગત 11મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે રઘુવીર માર્કેટની સામે કુંભારિયા ગામથી દેવધ તરફ જતા રસ્તા પર એક યુવતી પોતાના પ્રેમી સાથે બેઠી હતી. આ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલા પાંચ યુવકોએ આ બન્ને યુવક – યુવતીને ડરાવી – ધમકાવીને દેવધ ગામ તરફ રસ્તા પર આવેલા કેળાના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં નરાધમોએ યુવકનું મ્હોં અને હાથ બાંધીને યુવતી પર વારાફરતી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
આ દરમ્યાન આ પાંચેય આરોપીઓએ યુવક અને યુવતી પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા અને પીડિતા તથા તેના પ્રેમીને આ ઘટના અંગે કોઈને પણ જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. પાશવી બળાત્કાર અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પુણા પોલીસ મથકમાં સામુહિક બળાત્કારની ફરિયાદ નોંધાવવા પહોંચેલી પીડિતા દ્વારા આરોપીઓના ચહેરાનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું હતું તેના આધારે પોલીસના તજજ્ઞ આર્ટિસ્ટ દ્વારા આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા હતા.
Leave a Reply
View Comments