ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાની સાથે આજે સવારથી ઈનફ્લોમાં ક્રમશઃ ઘટાડો નોંધાવા પામ્યો છે. અલબત્ત, હાલની સ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા 1.70 લાખ ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવતાં આજે પણ તાપી નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી રહી છે. બપોરે ઉકાઈ ડેમની સપાટી 333.19 ફુટ પર પહોંચી હતી અને ડેમની સપાટીમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. આ દરમ્યાન કોઝવેની આજે પણ 9.46 મીટર નોંધાઈ છે.
- સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ સદંતર વિરામ પાળ્યો હતો અને મોટા ભાગના વિસ્તારોમાં વાદળોની સંતાકુકડીને બાદ કરતાં તાપમાન ખુશનુમા નજરે પડ્યું હતું. જો કે, છેલ્લા ત્રણ દિવસથી તાપી નદીના કાંઠા વિસ્તારમાં વસતાં નાગરિકો માટે ઉકાઈ ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલું પાણી ચિંતાનો વિષય બનવા પામ્યો છે. જો કે, ગઈકાલે રાતથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં મેઘરાજાનું જોર ઘટતાં ઈનફ્લોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે બપોરે ઉકાઈ ડેમનો ઈનફ્લો 1.56 લાખ ક્યુસેક નોંધાયો છે.
બીજી તરફ તંત્ર દ્વારા ઉકાઈ ડેમની સપાટીને 333 ફુટ સુધી જાળવી રાખવાની મથામણ વચ્ચે આજે પણ ઈનફ્લોને ધ્યાને રાખીને જ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પણ ઉકાઈ ડેમમાંથી હાલ 1.71 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જો કે, સાંજ સુધીમાં ઉકાઈ ડેમના ઈનફ્લોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન સુરત મહાનગર પાલિકા દ્વારા આજે પણ તકેદારીના ભાગરૂપે રાંદેર અને વરિયાવ ખાતે આવેલ હનુમાન ટેકરી અને ભરીમાતા ફ્લડ ગેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Leave a Reply
View Comments