માથાભારે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં બહાર આવેલો આરોપી સફીઉલ્લા શેખ બે દિવસ પહેલા વેડરોડ પર અખંડ આનંદ કોલેજ નજીક ઓફિસની બહાર ખુરશી ઉપર બેઠો હતો ત્યારે એક બાઈક પર આવેલ દિપક કુટેકર સફી પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં પોલીસે કુલ નવ સામે ગુનો દાખલ કરી જે તે સમયે જ ચાર આરોપીને ઝડપી લીધા હતા. જયારે ફાયરિંગ કરી ફરાર થઇ ગયેલા મુખ્ય આરોપી દીપકને ગતરોજ મોડીરાત્રે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ફાયરિંગ સમયે વપરાયેલી પિસ્તોલ પણ જપ્ત કરી છે.
બનાવની વિગત એવી છે કે વેડરોડ અખંડ આનંદ કોલેજ સામે વિશ્રામ નગર સોસાયટીમાં નામચીન સફી ઉલ્લા મોહમ્મ્દ સફી શેખ રવિવાર સવારે વેડરોડ સરદાર હોસ્પિટલની સામે આવેલી અોફિસની બહાર ખુરશી પર બેઠો હતો. તે સમયે બાઈક પર આવેલા બે ઈસમો પૈકી એક જણાએ સફી ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. સફીને પેટના ભાગે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક સમયે સુર્યા મરાઠીનો ખાસ સાગરીત અને પાછળથી તેની જ હત્યામાં સંડોવાયેલા સફી ઉપર ધોળા દિવસે તેની ઓફિસની બહાર ફાયરિંગ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિત ચોકબજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની તપાસમાં બાઈક પવન કાલિયો ચલાવતો હતો અને દિપક કુટેકરે ફાયરિંગ કર્યું હોવાનુ બહાર આવ્યુ હતું. બનાવ અંગે પોલીસે સફી શેખની ફરિયાદને આધારે દિપકકુટેકર સહીત પવન કાલિયો (રહે.ત્રિલોક સોસાયટી, વેડરોડ), રાહુલ કાલિયો (રહે. ત્રિવેણી સોસાયટી, વેડરોડ), ધ્રુવ સુરેન્દ્ર શુક્લા (રહે. ત્રિવેણી સોસાયટી, વેડરોડ), ત્રિત ઉર્ફે ભીમ ખીમજી સોસા (રહે.ત્રિલોક સોસાયટી, વેડરોડ), અમોલ તુકારામ જીને (રહે.અર્ચના સોસાયટી, વેડરોડ), વિકાસ અંકુશ મગરે (રહે.ત્રિલોક સોસાયટી, વેડરોડ), રોહિત શુકલા (રહે.ત્રિલોક સોસાયટી, વેડરોડ) અને શૈલેષ વાટલિયા (રહે.ત્રિલોક સોસાયટી, વેડરોડ) સામે ગુનો નોંધ્યો હતો. જોકે પોલીસે બાઈક ચલાવનાર પવન સહિત ચાર જણાને પણ ઝડપી પાડ્યા બાદ ગઈકાલે રાત્રે ફાયરિંગ કરનાર દિપક કુટેકરને પણ ઝડપી પાડી પિસ્તોલ કબજે કરી હોવાનુ જાણવા મળ્યું છે.
Leave a Reply
View Comments