Surties : દેશના ખૂણેખૂણેથી આવતા લોકો પણ સુરતમાં રહીને છેવટે સુરતી બની જ જાય છે

ઓલપાડ ખાતે મેગા મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓ અને ભાજપના નેતાઓ – કાર્યકરોને સંબોધન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના જુના જોગીઓેનું સંસ્મરણ કરતાં તેઓએ સાથે ત્રણ – ત્રણ દાયકા સુધી કામ કરવાનો જે અવસર મળ્યો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન સુરત અને સુરતની ખાસિયતોના ભરપેટ વખાણ વચ્ચે નરેન્દ્ર મોદીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપના જુના જોગીઓને યાદ કરતાં જણાવ્યું હતું કે, આ નેતાઓની પ્રેરણા અને યોગદાન ખરા અર્થમાં અમૂલ્ય છે.

વીડિયો કોન્ફરન્સ થકી લાભાર્થીઓ સાથે સંવાદ દરમ્યાન વડાપ્રધાને અચાનક સુરત ભાજપના જુના જોગીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, એક તબક્કે કાશીરામ રાણા, પ્રવિણ નાયક, હેમંત ચપટવાલા, ભગુ વિમલ, ડો. કનુ માવાણી અને સુમન દેસાઈ જેવા અસંખ્ય નેતાઓ સાથે 30થી 40 વર્ષથી સુધી કામ કરવાનો જે અવસર મળ્યો છે તે ખરેખર આજીવન યાદગાર રહેશે. જો કે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ લોકો પૈકી હવે કેટલાક આ ફાની દુનિયાને અલવિદા કરી ચુક્યા છે ત્યારે તેઓની પ્રેરણા અને યોગદાન ખરા અર્થમાં અમૂલ્ય છે.

સુરત જિલ્લાના છેવાડે આવેલા ઓલપાડ તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા આજરોજ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ્જારો લાભાર્થીઓના સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યા બાદ જરૂરીયાતમંદ નાગરિકોના નિઃશુલ્ક ઓપરેશન માટેની પણ આ કેમ્પમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આ મેગા મેડિકલ કેમ્પમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. જેમાં તેઓએ લાભાર્થીઓની વિશાળ સંખ્યા નિહાળીને મુકેશ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમમાં રૂબરૂ આવ્યો હોત તો ખરેખર ખુબ આનંદ થાત પરંતુ કામના ભારણને પગલે ટેક્નોલોજી થકી લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો તે પણ ખરેખર પ્રશંસનીય છે.

કાર્યક્રમ દરમ્યાન ઓલપાડ તાલુકાના અલગ – અલગ ગામડાઓમાં વસતાં અને કેન્દ્ર તથા રાજ્ય સરાકરની યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ તેઓએ સંવાદ કર્યો હતો. સુરત અને સુરતીઓની ખાસિયત વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સુરતીઓના લોહીમાં જ સદ્ભાવના – સામર્થ્ય અને ઈચ્છાશક્તિ અભૂતપૂર્વ છે. દેશના ખુણે ખુણેથી સુરતને કર્મભૂમિ બનાવવા માટે આવનાર નાગરિકો પણ છેવટે સુરતી જ બની જાય છે. સુરત અને સુરતીઓના સેવાના કાર્યોની પ્રશંસા કરતાં તેઓએ જણાવ્યું હતું કે, સુરતનું સ્થાન મારા હૃદયમાં સવિશેષ છે.