Surties : સુમુલ ડેરીના સંચાલકો વિરુદ્ધ દૂધ ઉત્પાદકોનો આક્રોશ સાતમા આસમાને

આજે સમુલુ ડેરી ખાતે એકઠા થયેલા સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા પશુપાલકોના હિતને નેવે મુકનારા ડિરેકટરો વિરૂદ્ધ બળાપો કાઢવામાં આવ્યો હતો. ભારે રોષ સાથે પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે કેટલાક પ્રતિનિધિઓ દ્વારા માત્રને માત્ર પોતાના સ્વાર્થને સાધવા માટે પશુપાલકો સાથે ધરાર અન્યાય કરવામાં આવી રહ્યો છે.

સુમુલના પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા વહીવટની ધુરા સંભાળ્યા બાદ દુધના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ ભાવ વધારાનો નહિવત્ લાભ દુધ ઉત્પાદકોને મળી રહ્યો છે. બીજી તરફ પશુઆહારમાં કિલોદીઠ ચારથી પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાને કારણે પશુપાલકોની હાલત કફોડી થવા પામી છે. આ સિવાય સુરત અને તાપી જિલ્લાની સામે મહારાષ્ટ્રમાં ગાયના દુધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો ફરક છે. જે ધરાર અન્યાયી અને મનસ્વી નિર્ણય છે.

આ સિવાય સુરત – તાપી અને મહારાષ્ટ્રમાં કુલિંગના ચાર્જમાં પણ ભારે વિષમતા જોવા મળી રહી છે. સુરત – તાપીમાં કુલિંગ ચાર્જ માત્ર 50 પૈસા જ્યારે મહારાષ્ટ્રમાં 1.50 રૂપિયા ચુકવવામાં આવે છે. આ નિર્ણયને પગલે પણ દુધ ઉત્પાદકોમાં ભારોભાર અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

આ સિવાય છેલ્લા ઘણા સમયથી ડેરીમાં ઈન્ચાર્જ એમ.ડી.થી સુમુલના વહીવટનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું હોવાનું પણ પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અલબત્ત, એકાઉન્ટના સ્પેશ્યાલિસ્ટ એવા આ ઈન્ચાર્જ એમડી પાસે ડેરી ટેક્નોલોજીની કોઈ ડિગ્રી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. લાયકાત ન ધરાવતાં હોવા છતાં ઈન્ચાર્જ એમડીના નામે વહીવટ કરતા આ અધિકારી વિરૂદ્ધ પણ દુધ ઉત્પાદકોમાં ભારોભાર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં, પશુઓની સારવારમાં પણ દુધઉત્પાદકો સાથે ધરાર અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં સુમુલના ડિરેક્ટરો દ્વારા પશુની સારવાર માટે 24 કલાકના 100 રૂપિયા સામે સુરત અને તાપી જિલ્લામાં 300 રૂપિયા વસુલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

દુધ ઉત્પાદકોના શોષણનો આક્ષેપ

ડિરેકટરોના મનસ્વી કારોબાર વિરૂદ્ધ રજુઆત કરવા પહોંચેલા મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણ સમયથી સુરત અને તાપી જિલ્લાના દુધ ઉત્પાદકોનું સુમુલ ડેરીના સંચાલકોની મનસ્વી કામગીરીને કારણ શોષણ થઈ રહ્યું છે. જેની સીધી અસર દુધ ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. હાલના તબક્કે દુધ ઉત્પાદનમાં પણ 60થી 70 હજાર લીટર જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. દુધ ઉત્પાદન વધારવા માટે સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારનું નક્કર આયોજન કરવામાં આવી રહ્યું ન હોવાને કારણે નાછૂટકે સંસ્થાએ અન્ય રાજ્યોમાંથી મોંઘા ભાવે દુધ ખરીદવામાં આવી રહ્યું છે. આ સિવાય જે દુધ અન્ય રાજ્યમાંથી ખરીદવામાં આવે છે તે અન્ય મંડળી પાસેથી ખરીદવામાં આવે છે કે કેમ તે અંગેની તપાસ કરવા માટે પણ પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ સિવાય અન્ય રાજ્યમાંથી ખરીદવામાં આવતાં દુધના પેમેન્ટ મુદ્દે પણ ગોબાચારી આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.