Surties : વહેલી સવારે કમેલા દરવાજા ખાતે દુર્ઘટના સિટી બસે અડફેટે લેતાં મોટર સાયકલ સવાર એકનું મોત, બે યુવક ઘાયલ

શહેરના સૌથી વ્યસ્ત રહેતા રિંગરોડ પર આજે સવારે બેફામ દોડી રહેલી સિટી બસના ચાલકે મોટર સાયકલ પર પસાર થઈ રહેલા યુવકોને અડફેટે લેતાં એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે લોકોમાં સિટી બસ ચાલક વિરૂદ્ધ ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. જો કે, લોકોના આક્રોશને પગલે બસ ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

આ દરમ્યાન મૃતક યુવકના પરિવારજનોને દુર્ઘટના અંગે જાણ થતાં તેઓના માથે આભ તુટી પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા સિટી બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

માન દરવાજા ખાતે હીરામની ચાલ ખાતે રહેતો 28 વર્ષીય કિશન મોહન પટેલ પોતાના નાના ભાઈ રવિ અને મિત્ર મેહુલ પટેલ સાથે રાબેતા મુજબ કતારગામ ખાતે આવેલ હીરાના કારખાનામાં નોકરી અર્થે મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન જ રિંગરોડ ખાતે કમેલા દરવાજા પાસેથી બેફામ દોડી રહેલી સિટી બસ (જીજે05 બીએક્સ 3132) આ ત્રણેય યુવકોને અડફેટે લીધા હતા. અચાનક પાછળથી બસે ટક્કર મારતાં મોટર સાયકલનું બેલેન્સ ખોરવાઈ જતાં કિશન પટેલનું બસના આગળના વ્હીલમાં આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

 

જ્યારે મોટર સાયકલ પર સવાર મૃતકનો નાનો ભાઈ રવિ પટેલ અને મિત્ર મેહુલ પટેલને પણ નાની – મોટી ઈજા પહોંચી હતા. વહેલી સવારે 7.50 વાગ્યાના સુમારે સર્જાયેલા આ ગોજારા અકસ્માતને પગલે રિંગરોડ પર વાહન ચાલકો સહિત મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

શહેરના રસ્તાઓ પર માતેલા સાંઢની જેમ બેફામ દોડતી સિટી બસ વિરૂદ્ધ લોકોમાં પણ ભારોભાર આક્રોશને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ દરમ્યાન સિટી બસનો ચાલક ભગોરા બિજલ સુરજી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે મોટર સાયકલ પર સવાર બન્ને યુવકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બેફામ દોડતી સિટી બસનો છુટ્ટો દૌર

ગોઝારા અકસ્માતને પગલે કમેલા દરવાજા પર ઉમટેલા લોકોએ શહેરના રસ્તાઓ પર માતેલા સાંઢની જેમ દોડતી બસ વિરૂદ્ધ ખુબ જ આક્રોશ ઠાલવ્યો હતો. મૃતક કિશન પટેલના મિત્રો એજાજ અને વિજયે આ દરમ્યાન જણાવ્યું હતું કે, વહેલી સવારથી જ રિંગરોડ સહિતના વિસ્તારોમાં ચિક્કાર ભરેલી બસો બેફામ દોડતી હોય છે. મુસાફરોથી ઉભરાતી આ બસોને જાણે આરટીઓ કે ટ્રાફિક પોલીસના કોઈ જ નિયમો લાગુ ન પડતા હોય તેમ તેઓને છુટ્ટો દૌર આપવામાં આવ્યો હોવાનો આક્રોશ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મૃતકને પત્નીને 9 મહિનાનો ગર્ભ

હીરાના કારખાને નોકરી કરવા માટે આજે ઘરેથી નીકળેલા કિશન પટેલના પરિવારજનોને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તે હવે ક્યારેય ઘરે પરત નહીં ફરે. 10 મહિના પૂર્વે જ કિશન પટેલના લક્ષ્મી નામક યુવતી સાથે લગ્ન થયા હતા અને હાલ તેની પત્નીને 9 મહિનાનો ગર્ભ હોવાને કારણે આ ઘટનાને પગલે પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં બસ ચાલક વિરૂદ્ધ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.જોકે, મૃતકની પત્નીને પરિવારજનો દ્વારા કિશન પટેલના મોત અંગે જાણ કરવામાં આવતાં તેણીની પણ બેભાન થઈ જવા પામી હતી.