Surties : વધુ એક વખત ડિંડોલી – ખરવાસા નહેરમાં શ્રીજીની રઝળતી પ્રતિમાઓ મળી

10 – 10 દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિભાવથી પૂજા – અર્ચના કર્યા બાદ તેઓની પ્રતિમાનું રઝળતી હાલતમાં વિસર્જન કરનારા કહેવાતા ભક્તો વિરૂદ્ધ વધુ એક વખત ફિટકારની લાગણી જોવા મળી રહી છે. આ વર્ષે પણ શહેરની સંસ્થાઓ દ્વારા ડિંડોલી – ખરવાસા અને ચલથાણ વિસ્તારમાં નહેરમાંથી શ્રીજીની પ્રતિમાઓ એકઠી કરીને હજીરા ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી આ સંસ્થાના સ્વયં સેવકો દ્વારા આ વિસ્તારમાં નહેરમાંથી અંદાજે બે હજાર જેટલી પ્રતિમાઓ બહાર કાઢવામાં આવી હતી.

સાંસ્કૃતિક રક્ષા સમિતિ અને શ્રી માધવ ગૌશાળાના સ્વયં સેવકો દ્વારા આ વર્ષે પણ શહેરના છેવાડે આવેલા ડિંડોલી – ખરવાસા અને ચલથાણ વિસ્તારમાં નહેરમાં વિસર્જનના નામે રઝળતી મુકવામાં આવેલ શ્રીજીની પ્રતિમાઓ એકઠી કરવામાં આવી હતી. આ પ્રતિમાઓને બાદમાં હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 100થી વધુ સ્વયં સેવકો દ્વારા આ વિસ્તારમાંથી બે હજાર જેટલી શ્રીજીની મંગલમૂર્તિથી માંડીને ત્રણથી ચાર ફુટ સુધીની પ્રતિમાઓને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં બંદોબસ્ત મુકવામાં આવ્યો હોવા છતાં નહેરમાં પીઓપીની મૂર્તિઓનું વિર્સજન કરવામાં આવતાં ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

આ સંદર્ભે સંસ્થાના આગેવાન આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી આ પ્રકારની સેવામાં ઉધના અને આસપાસના વિસ્તારના 100 જેટલા યુવકો સેવા આપી રહ્યા છે.

સરકાર દ્વારા પીઓપીની મૂર્તિની સ્થાપના ન કરવામાં આવે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવા છતાં આ સમસ્યાનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. એક તરફ 10 – 10 દિવસ સુધી ભારે ધામધૂમથી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જનના નામે તેઓની પ્રતિમાને ગમે ત્યાં રળઝતી મુકી દેવામાં આવતાં હિન્દુ ધર્મની લાગણી પણ દૂભાતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અલબત્ત, આજે વહેલી સવારથી આ વિસ્તારોમાં સ્વયં સેવકો દ્વારા નહેરના પાણીમાંથી અર્ધ-વિર્સજીત થયેલી અંદાજે બે હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓ ટ્રકમાં એકઠી કરવામાં આવી હતી અને ત્યારબાદ ડુમસ દરિયા ખાતે વિધિસર આ પ્રતિમાઓના વિર્સજનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.