Surties : હવે સુરત એરપોર્ટ પર ઉતરીને પણ ખમણ, લોચો અને બીજી સુરતી વાનગીઓનો સ્વાદ માણી શકાશે

કેન્દ્ર સરકારે દેશના તમામ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરો માટે સ્થાનિક ભોજન ચાખવાની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર સ્થાનિક માલસામાનના વેચાણ માટે સ્ટોલ લગાવવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

આ અંતર્ગત સુરત એરપોર્ટ પર આવતા અને જતા મુસાફરો સુરતી સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેની મંજૂરી પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી માંગવામાં આવી હતી અને તેને મંજૂરી પણ મળી ગઈ છે. મતલબ કે આગામી થોડા દિવસોમાં મંજૂરી મળ્યા બાદ તમે સુરત એરપોર્ટ પર ખમણ, લોચો, આલુપુરી, ખરી સહિતના સુરતના પ્રખ્યાત ખાણી-પીણીની મજા માણી શકશો.

મતલબ કે હવે ટૂંક સમયમાં સુરતના લોકોને એરપોર્ટ પર ગરમ લોચો, ખમણ અને આલુપુરી સહિતનું સ્થાનિક ભોજન મળશે. આ કિસ્સામાં સુરત એરપોર્ટે AAIના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સુરત એરપોર્ટ પરથી દર મહિને 20 ઇન્ટરનેશનલ અને 1010 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઓપરેટ થાય છે.

સુરત એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈનીએ સ્થાનિક ફૂડ કલ્ચરને પ્રોત્સાહન આપવા અને વિદેશથી આવતા પ્રવાસીઓને પણ તેનાથી માહિતગાર કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જેમાં ગરમાગરમ લોચો, ખમણ, આલુપુરી સહિતના સ્થાનિક ફૂડ માટે સુરત એરપોર્ટ પર દુકાન ખોલવાનો સમાવેશ થાય છે. જે બાદ ડિરેક્ટરે તેને AAIને મોકલી અને તેને મંજૂરી પણ મળી ગઈ છે.

તેથી આગામી દિવસોમાં AAI સુરત એરપોર્ટ પર સ્થાનિક ખાણીપીણીની દુકાન માટે ટેન્ડર જાહેર કરશે. હાલમાં સુરત એરપોર્ટ પર સમાંતર ટેક્સી ટ્રેક બનાવવાની સાથે ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સુરત એરપોર્ટને નવી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળશે, તેવા સંજોગોમાં મુસાફરોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.