Surties : તકેદારીના ભાગરૂપે સુરત સિવિલ હોસ્પિટલમાં મંકી પોક્સનો અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો

દેશમાં મંકીપોક્સના કેસો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જાહેરનામાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડિંગના ત્રીજા માળે મંકીપોક્સના દર્દીઓ માટે વોર્ડ બનાવવામાં આવ્યો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સાથે 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે કેરળમાં મંકીપોક્સના બે કેસ નોંધાયા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારના આદેશ અનુસાર નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલના ત્રીજા માળે મંકીપોક્સ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ટીમમાં ડોકટરો અને નર્સો પણ તૈનાત છે.

મંકીપોક્સ પીડિતોને ઝડપી સારવાર મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેથી એકાએક કેસની સંખ્યા વધી જાય તો પણ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે. વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ નવી સિવિલ હોસ્પિટલની અંદર એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.