સુરત શહેરમાં બે દિવસ બાદ યોજાનારા ગણેશ વિસર્જનને પગલે મહાનગર પાલિકા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની મુલાકાત દરમ્યાન અધિકારીઓ – કર્મચારીઓને જરૂરી સલાહ – સૂચન આપવામાં આવ્યા હતા. આ વર્ષે પણ મનપા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં 19 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે જ્યાં પાંચ ફુટથી નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અલબત્ત, હવે શ્રીજીના વિસર્જનને આડે માત્ર બે દિવસો જ બાકી છે અને જેને પગલે મહાનગર પાલિકા દ્વારા પણ નિર્વિધ્ને ગણેશ વિસર્જન માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. માત્ર સુરત શહેરમાં જ અંદાજે 50થી 60 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ તમામ પ્રતિમાઓ પૈકી 5 ફુટ કે તેનાથી નાની પ્રતિમાઓનું વિસર્જન સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે.
ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાને રાખીને મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ – અલગ વિસ્તારોમાં 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની શહેરના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલ નાનપુરા ડક્કા ઓવારા પર નિર્મિત કૃત્રિમ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગણેશ વિસર્જન દરમ્યાન જરૂરી તકેદારી રાખવાની પણ અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગૌરી ગણેશ સહિત સાત હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે. જ્યારે ગણેશ વિસર્જનના દિવસે પાંચ ફુટથી મોટી પ્રતિમાઓના વિસર્જન માટે હજીરા ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
Leave a Reply
View Comments