ભારતનું દિલ જેમાં ધડકે છે એ જમ્મુ કાશ્મીર સાથે હવે તમામ સબંધો ગાઢ થતા ચાલ્યા છે. તેમાં પણ સુરત કેમ કરીને બાકાત રહે ? સુરતની એક એનજીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના બાળકોને ખાસ કરીને અહીંની દીકરીઓને શ્રેષ્ઠ અભ્યાસ મળી રહે તે માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરત સ્થિત એનજીઓ એક સોચ(Ek Soch) દ્વારા કાશ્મીરની દીકરીઓના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે.
કેવી રીતે થઈ શરૂઆત ?
જોકે આ ઘટના ક્રમની શરૂઆત પણ ખૂબ સુંદર રહી છે. સુરતમાં એનજીઓ ચલાવતા રીતુ રાઠીએ જમ્મુમાં સૈનિકોને રાખડી બાંધી હતી. અને આ નિત્યક્રમ તેમનો દર રક્ષાબંધને ચાલતો આવ્યો છે. સેનાના જવાનો પાસેથી જ તેમને જાણવા મળ્યું હતું કે કાશ્મીરની વિદ્યાર્થીઓનીઓના અભ્યાસની સ્થિતિ દયનિય છે. તેમની પાસે પુસ્તકો, ગણવેશ, શાળા માં ભણવા માટેની ફી, વગેરેનો અભાવ છે.
એક વર્ષ સુધી દીકરીઓના અભ્યાસની સ્વીકારી જવાબદારી :
આ સાંભળીને સુરતની રીતુ રાઠી ને વિચાર આવ્યો તેમની મદદ કરવાનો.અને તેઓએ જવાબદારી લીધી આ દીકરીઓને દત્તક લઈને તેમના એક વર્ષના અભ્યાસનો તમામ ખર્ચો ઉપાડવાનો. તેમણે કાશ્મીરની એક આખી સ્કૂલ દત્તક લીધી છે. આ રીતે પણ તેઓએ જમ્મુ કાશ્મીર સાથે દિલનો સબંધ અને ત્યાંના જવાનો સાથે એક બહેનનો સબંધ નિભાવ્યો છે. રીતુએ જણાવ્યું હતું કે એક દીકરીનો અભ્યાસ આખા પરિવારને તારે છે.
વિદ્યાર્થીઓને જોડ્યા તિરંગા અભિયાન સાથે :
કાશ્મીરમાં જઈને તેઓએ સ્કૂલની દરેક વિદ્યાર્થીનીઓને હાથમાં તિરંગો પણ આપ્યો છે. અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘર પર તિરંગો લહેરાવવા આહવાન પણ કર્યું છે. રીતુની આ પહેલાથી જમ્મુ કાશ્મીરના લોકોનો પણ ઉત્સાહ વધ્યો છે. તેઓએ જમ્મુની એક સ્કૂલમાં મુલાકાત લઈને શહીદ પરિવારના સંતાનોને પણ મદદની ખાતરી આપી છે.
સુરતમાં આદિવાસી વિસ્તારોમાં પણ કરી છે કામગીરી
રીતુ રાઠી સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી એનજીઓ ચલાવે છે. સુરતમાં પણ તેઓએ ઘણી શાળાઓમાં વિજ્ઞાનના અને ખેલકુદના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. ગુજરાત અને સુરતના આદિવાસી વિસ્તારોમાં તેઓ દિવ્યાંગ અને મહિલાઓની મદદ પણ કરતા આવ્યા છે.
Leave a Reply
View Comments