વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત આગમનને આનંદદાયક ગણાવવાની સાથે – સાથે નવરાત્રિના તહેવારમાં સુરતી જમણ વિના પરત ફરવાનું અઘરૂં હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, મારા જેવા વ્યક્તિનો જ્યારે નવરાત્રિમાં ઉપવાસ હોય અને સુરત આવે ત્યારે તે ખુબ જ કષ્ટદાયક હોય છે. સુરત આવીને સુરતની અવનવી વાનગીઓ આરોગ્ય વિના રહેવું અઘરૂં કામ છે.
સુરતે એરપોર્ટ માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો
રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરમાં એરપોર્ટ માટે કરવામાં આવેલા લાંબા સંઘર્ષને વાગોળતા વડાપ્રધાન કહ્યું હતું કે, એક તબક્કે દિલ્હીની સરકાર દ્વારા સુરત શહેરના સાર્મ્થયને નજરઅંદાજ કરવામાં આવતું હતું. હવે સ્થિતિ બદલાઈ ચુકી છે અને આજે સુરત એરપોર્ટ ધમધમતું થઈ ચુક્યું છે. આ રીતે જ આગામી સમયમાં અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં મેટ્રો ટ્રેન પણ વિકાસના મોરપિચ્છનો વધુ એક ભાગ બનશે. ડબલ એન્જીન સરકારને પગલે સુરતની સાથે સાથે ગુજરાતના કોઈપણ શહેરની વિકાસ યોજનાઓ માટે સંર્ઘષના દિવસો ભૂતકાળ બન્યા હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.
સુરતથી કાશી વચ્ચે નવી ટ્રેન દોડાવવાનું આયોજન
સુરત અને કાશી શહેરનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ નગરી સુરતનું મોટું બજાર કાશી અને પૂર્વી ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલું છે. જેને પગલે રેલવે દ્વારા નવતર અભિગમ અપનાવીને કોચની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને પગલે એક ટનના કન્ટેઈનર કોઈપણ પ્રકારની અસુવિધા વિના લોડ – અનલોડ થઈ શકશે. આગામી સમયમાં સુરતના વેપાર માટે ખુબ જ લાભદાયક સાબિત થનાર સુરત – કાશી લોજિસ્ટીક ટ્રેન શરૂ કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જેને પગલે સુરત – કાશી વચ્ચેના વેપાર – ધંધાને નવી પાંખો મળશે અને વેપારીઓ સહિત શ્રમિકોને પણ આ ટ્રેનનો સીધો લાભ મળશે.
હવે ડાયમંડનું વૈશ્વિક ટ્રેડિંગ હબ બનશે સુરત શહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં જેનો સમાવેશ થાય છે તે ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશ દ્વારા લોકાર્પણ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, આજે સુરત શહેરનો હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ઓળખ પ્રસ્થાપિત કરી ચુક્યો છે. આગામી સમયમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરત શહેર વિશ્વના સૌથી સુરક્ષિત અને સુવિધાયુક્ત ડાયમંડ ટ્રેડિંગ હબના રૂપમાં વિકસીત થશે અને એનો લાભ સુરતના હીરા ઉદ્યોગકારોને મળશે. બીજી તરફ માત્ર શહેરના જ નહીં દુનિયાભરના હીરા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે અત્યાધુનિક અને વૈશ્વિકસ્તરની ઓફિસો માટે પણ સુરત શહેર પહેલી પસંદગી બનશે તે પણ નિશ્ચિત છે.
સુરત ખરા અર્થમાં સેતુઓનો શહેરઃ મોદી
બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના વિકાસની સાથે સાથે તેઓએ સુરતના રજેરજમાં વસેલી માનવીયતા – રાષ્ટ્રીયતા અને સમૃદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, શહેરના રાંદેર, અડાજણ, પાલ, હજીરા, પાલનપોર સહિતના વિસ્તારોમાં અફાટ વિકાસ વચ્ચે આજે શહેરમાં તાપી નદી પર 12થી વધુ બ્રિજ બન્યા છે. બ્રિજ સિટી તરીકે ઓળખ બનાવી ચુકેલું સુરત શહેર સુરતીઓની સમૃદ્ધિની ઓળખ સમાન છે. આજે સુરત ખરા અર્થમાં સેતુઓનો શહેર બની રહ્યું છે.
સુરતના જમણ અને કાશીના મરણનો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની ખાસિયત વિશે જણાવતાં કહ્યું હતું કે, સુરતી લાલાઓને મોજ વગર બિલ્કુલ ના ચાલે. કાશીના સાંસદ હોવાને કારણે તેઓને ઘણી વખત લોકો સુરતના જમણ વિશે વાત કરતાં હોય છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, સુરતનું જમણ અને કાશીનું મરણ ખરેખર કહેવત જ નહીં પરંતુ વાસ્તવિકતા છે. આ દરમ્યાન સુરતના વિકાસ માટે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વહીવટી તંત્ર, મહાનગર પાલિકા અને ધારાસભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
દોઢ કલાકમાં સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ
છેલ્લા સાત દિવસથી સુરત મહાનગર પાલિકા, પોલીસ પ્રસાશન અને તમામ વહીવટી સત્તાધીશો વડાપ્રધાનના કાર્યક્રમની તડામાર તૈયારીમાં કામે લાગ્યા હતા. ભવ્ય રોડ શો અને સભા માટે કરોડો રૂપિયાનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન સુરત એરપોર્ટ પર આવ્યા બાદ હેલીકોપટર મારફતે લીંબાયત નીલગીરી ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓએ ૧૦.૫૦ કલાકે રોડ શોની શરૂઆત કરી હતી. હજ્જારોની જનમેદની વચ્ચેથી વડાપ્રધાન ૨૬ મિનિટના રોડ શો બાદ ૧૧.૧૬ કલાકે સભા સ્થળે પહોંચ્યા હતા. જોકે ત્યારબાદ તેઓ ૧૧.૩૦ કલાકે સ્ટેજ પર પહોચ્યા હતા. જ્યાં શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાત મિનિટ ભાષણ આપ્યા બાદ વડાપ્રધાને ૨૫ મિનિટ સુધી ભાષણ aapi ૧૨.૧૫ કલાકે સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઇ ગયો હતો. જોકે ત્યારબાદ ૧૨.૨૫ કલાકે વડાપ્રધાન હેલીકોપટર મારફતે એરપોર્ટ જવા નીકળી ગયા હતા.
—–
Leave a Reply
View Comments