બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં લઠ્ઠાકાંડને પગલે 29 નાગરિકોનાં મોત નિપજ્યા છે અને 30થી વધુ લોકો હોસ્પિટલમાં સારવારગ્રસ્ત છે. આ સ્થિતિમાં સુરત શહેરના છેવાડે આવેલા વિસ્તારોમાં પણ ગમે ત્યારે લઠ્ઠાકાંડ જેવી હોનારત સર્જાય તો નવાઈ નહીં.
શહેરના પાંડેસરા – જીઆવ – બુડીયા અને ગભેણી જેવા વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓના ધમધમાટ વચ્ચે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેમ છે. આ વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓના દૂષણ સંદર્ભે હાલમાં જ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો સ્થાનિકો દ્વારા પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

પાંડેસરા પોલીસને કરવામાં આવેલ અરજીમાં સ્પષ્ટપણે પોલીસની કામગીરી પર જ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવામાં આવ્યા છે. અરજદાર દ્વારા પોતાનું નામ ગુપ્ત રાખવાની સાથે સાથે પાંડેસરાના પ્રેમ નગર વિસ્તારમાં અસંખ્ય દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનું અને આ સંદર્ભે છાશવારે રજુઆત કરી હોવાની પણ કેફિયત અરજીમાં વ્યક્ત કરી હતી.
હવે જ્યારે રાજ્યમાં વધુ એક વખત લઠ્ઠાકાંડની ઘટના સર્જાવા પામી છે ત્યારે પાંડેસરા જ નહીં સમગ્ર શહેરની પોલીસ દ્વારા હંગામી ધોરણે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની જાણે ફરજ પડી હોય તેવું નજરે પડી રહ્યું છે. આ સ્થિતિમાં ખાઈબદેલા પાંડેસરા પોલીસના કર્મચારીઓની બુટલેગરો સાથેની મિલીભગત વિરૂદ્ધ સ્થાનિકોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશી દારૂના દૂષણ વિરૂદ્ધ કરવામાં આવેલ અરજીમાં પોલીસની રહેમનજર હેઠળ જ આવા અડ્ડાઓ ધમધમતા હોવાનો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.
જો કે, ત્રણ મહિના પહેલા પાંડેસરા પોલીસને અરજી આપવામાં આવી હોવા છતાં પાંડેસરાના પ્રેમનગર અને આસપાસના વિસ્તારોમાં બેફામ દેશી દારૂના અડ્ડાઓનું દૂષણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લટ્ઠાકાંડને પગલે પોતાની જાડી ચામડી બચાવવા માટે પાંડેસરા પોલીસ દ્વારા બુટલેગરોને હાથ જોડીને હાલના તબક્કે દારૂના અડ્ડાઓ બંધ કરવા વિનંતી કરવામાં આવી હોવાની ચર્ચાઓ પણ શરૂ થવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના પાંડેસરા જ નહીં મોટાભાગના વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓનું દૂષણ જોવા મળે છે. જેમાં જીઆવ – બુડિયા અને ગભેણી જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી મોટા ભાગે દેશી દારૂનો સપ્લાય આખા શહેરમાં કરવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. આ તબક્કે શહેરમાં પણ ગમે ત્યારે કેમિકલયુક્ત દેશી દારૂને પગલે લઠ્ઠાકાંડ જેવી હોનારત સર્જાય તો નવાઈ નહીં.
બોલો, પોલીસે તાપી તટે દારૂની ભઠ્ઠીઓ શોધી
સમગ્ર રાજ્યમાં લઠ્ઠાકાંડને પગલે એક તરફ દારૂબંધીની પોકળ વાતો કરનાર સરકાર વિરૂદ્ધ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બુટલેગરોના ખોળે બેસીને દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી પોલીસની કામગીરી પર પણ માછલાં ધોવામાં આવી રહ્યા છે. આ તબક્કે આજે સવારથી શહેર પોલીસ દ્વારા અલગ – અલગ વિસ્તારોમાંથી દેશી દારૂના અડ્ડાઓ શોધી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હોય તેમ જણાઈ આવ્યું હતું. શહેરના તાપી નદીના કિનારે સિંગણપોર અને ચોક વિસ્તારમાં દારૂની ભઠ્ઠી મળી આવતાં પોલીસ દ્વારા આ ભઠ્ઠીઓ બંધ કરાવવાની ફરજ પડી હતી.
Leave a Reply
View Comments