Surties : પુણા વિસ્તારના કેમિકલ ગોડાઉનમાં મળસ્કે લાગેલી ભીષણ આગમાં એક પછી એક બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ, ફાયર વિભાગે મહામહેનતે આગ લીધી કાબુમાં

સુરતના પુણા વિસ્તારમાં કેનાલ રોડ પર આજે મળસ્કે કેમિકલ ફેકટરીના ગોડાઉનમાં આગ ફાટી નીકળતાં ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. આજે મળસ્કે કેમિકલ ફેકટરીના ગોડાઉનમાં આગ ફાટી નીકળવાને પગલે જ્વલનશીલ કેમિકલના બેરલો બ્લાસ્ટ થતા  આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે 4.30 કલાકના સુમારે પુણા કુંભારિયા કેનાલ રોડ પર આવેલ વનમાળી જંકશન પાસે પી.કે. કેમિકલના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ સંદર્ભે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બીજી તરફ ફાયર વિભાગના જવાનો દ્વારા સમગ્ર પ્રકરણમાં ભીષણ આગ વિકરાળ બને તેવી શક્યતાઓને પગલે જીવના જોખમે કેમિકલ ગોડાઉનમાં મુકવામાં આવેલા અન્ય 30 જેટલા કેમિકલથી ભરેલા બેરલો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ કેમિકલના બેરલો બહાર કાઢવાને પગલે આગ વધુ વિકરાળ બનતી અટકાવવામાં પણ ફાયર વિભાગને ધારી સફળતા સાંપડી હતી.

સવારે પાંચ વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના લાશ્કરો સવારે 10 વાગ્યા સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહેલા નજરે પડી રહ્યા હતા.
પ્રકાશ મારવાડી નામક વ્યક્તિની માલિકીના પી.કે. કેમિકલ ગોડાઉનમાં આગ ફાટી નીકળવા પાછળનું ચોક્કસ કારણ હાલ તુરત જાણવા મળ્યું નથી.

જો કે, ઘટના સ્થળે હાજર ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તારણ જણાવવામાં આવ્યું હતું. સદ્નસીબે મળસ્કે આગ લાગવાની ઘટનાને કારણે કેમિકલ ગોડાઉનમાં કોઈ કર્મચારીની હાજરી ન હોવાને કારણે જાનહાનિ પણ ટળતાં વહીવટી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. જો કે, આગ એટલી ભીષણ હતી કે સવાર સુધી આગના ગોટે ગોટા દુર – દુર સુધી જોવા મળ્યા હતા. હાલના તબક્કે આગને કારણે કેમિકલ ગોડાઉન અને પાસે આવેલ એફએમસીજી ગોડાઉનમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કુલિંગ માટે દિવાલ તોડવામાં આવી

કેમિકલને કારણે ગોડાઉનમાં ગરમી ખુબ જ ઉંચે પહોંચી જતાં ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા છતાં કુલિંગની કામગીરી માટે ભારે મુશ્કેલી ઉઠાવવી પડી હતી. કુલિંગની કામગીરીમાં કેમિકલ અને એફએમસીજી ગોડાઉનની ફરતે જે પાકી દિવાલો હતી તે અવરોધક સાબિત થતાં ફાયર વિભાગ દ્વારા જેસીબી મશીન મંગાવી દિવાલોને તોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દિવાલો તૂટ્યા બાદ જ ફાયર વિભાગ દ્વારા બન્ને ગોડાઉનમાં કુલિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સ્થાનિકોમાં કેમિકલ ગોડાઉન ગેરકાયદેસર હોવાની ચર્ચા

મળસ્કે કેનાલ રોડ પર કેમિકલ ગોડાઉનમાં આગ ફાટી નીકળવાની ઘટના સમગ્ર વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. આ દરમ્યાન ઘટના સ્થળે પહોંચેલા આસપાસના દુકાનદારોમાં આ કેમિકલ ગોડાઉન ગેરકાયદેસર હોવાની ચર્ચા ઉઠવા પામી હતી. આશ્ચર્યની વાત તો એ હજી કે પી.કે. કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની વાત આસપાસમાં સૌને જાણ થવા છતાં જે ફેકટરીમાં આગ લાગી હતી તેનો પ્રકાશ મારવાડી નામક માલિક જ ઘટના સ્થળે હાજર ન હોવાને કારણે આ તર્ક – વિતર્કને વધુ વેગ મળ્યું હતું. અલબત્ત, ફાયર વિભાગના ડિવિઝીનલ ઓફિસર જગદીશ પટેલ દ્વારા કેમિકલ ગોડાઉન કાયદેસર હોવાની સાથે – સાથે ફાયર સેફટી પણ હોવા અંગેની જાણકારી આપવામાં આવી હતી.

લોકોનું ટોળું ભેગું થતા રસ્તો ડાયવર્ટ કરવો પડ્યો

પરવત પાટીયાથી બીઆરટીએસ કેનાલ રોડ પર વનમાળી જંકશન પાસે સવારે ગોડાઉનમાં આગ ફાટી નીકળવાથી કારણે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેને પગલે ફાયર વિભાગને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસના જવાનોએ કેનાલ રોડનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી અને સવારથી પીક અવર્સ દરમ્યાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

માત્ર એફએમસીજી ગોડાઉનને જ અઢી કરોડનું નુકસાન

પી.કે. કેમિકલ ગોડાઉનને અડીને આવેલા પ્રો-લાઈન સેલ્સ એજન્સીમાં પણ જોત જોતામાં આગ પ્રસરી જતાં એજન્સીના માલિક પર જાણે આભ તૂટી પડ્યું હતું. આ અંગે પોતાની વ્યથા ઠાલવતાં એજન્સીના માલિક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ગોડાઉનમાં આગ લાગવાને કારણે મોટા ભાગનો માલ સ્વાહા થઈ ગયો છે. ગઈકાલે જ તેઓએ 50 લાખ રૂપિયાની કિંમતનો માલ મંગાવ્યો હતો અને તે ગોડાઉનમાં મુક્યા બાદ આજે સવારથી ડિલીવરી કરવાના હતા. જો કે, મળસ્કે જ આગ ફાટી નીકળવાને કારણે ગોડાઉનમાં મુકેલ લગભગ બેથી અઢી કરોડ રૂપિયાનો ખાણી – પીણીનો સામાન સ્વાહા થઈ જતાં તેઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું.