Surties : હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં બંધ કરાયો ઉકાઈ ડેમની સપાટી 334 ફુટને પાર, આઉટફ્લો 70 હજાર ક્યુસેક

 

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમ્યાન આજે વહેલી સવારથી સુરત શહેરમાં વાતાવરણમાં ભારે બફારાને કારણે નાગરિકોએ પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો હતો. જો કે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના આંશિક વિરામ વચ્ચે સપાટી રૂલ લેવલ 335 ફુટ સુધી પહોંચવાની તૈયારીમાં છે.

આ સ્થિતિમાં હાલ ડેમમાંથી તાપી નદીમાં 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતાં આજે સવારે વધુ એક વખત બારડોલી ખાતે આવેલ હરિપુરા કોઝવે ઓવર ફ્લો થતાં વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે સવારથી અસહ્ય બફારો

હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં વધુ એક વખત લો- પ્રેશર સર્જાવા પામતાં સુરત સહિત નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સ્થિતિ વચ્ચે આજે સવારથી જ શહેરીજનોએ ભારે બફારાનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય ઉકળાટ વચ્ચે વાદળોની સંતાકુકડીને પગલે સુરત શહેર – જિલ્લામાં પણ આગામી એક – બે દિવસમાં મેઘરાજાના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોકે, આજે સવારે ઉકાઈ ડેમનો ઈનફ્લો 41 હજારને પાર કરી જવા પામ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 334.65 ફુટે નોંધાવા પામી છે જ્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ હોવાને કારણે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કાકરાપાર ડેમની સપાટી 164.80 ફુટ અને સિંગણપોર કોઝવેની સપાટી 7.43 મીટરે પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે ગઈકાલે મોડી રાતથી હરિપુરા ખાતે આવેલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા હાલ આ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતાં વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.