Surties : સુરતની પાંચ યુવતીઓ બાઇક પર નડાબેટ જઈને સૈનિકોને રાખડી બાંધી ઉજવશે રક્ષાબંધન

દેશભરમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 75મો ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ચાલી રહ્યો છે, તેવા સંજોગોમાં રાજ્યભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. રક્ષાબંધન નજીક આવતાની સાથે જ દેશની દીકરીઓ દેશના જવાનોની રક્ષા માટે દર વર્ષે રાખડી મોકલે છે. ત્યારે આ વખતે સુરતની 5 યુવતીઓ બાઇક દ્વારા નડાબેટ જવા નીકળી છે.

તમને જણાવી દઈએ કે ‘એક રાખી સૈનિકના નામ’ના હેતુથી સુરતની 5 યુવતીઓ નડાબેટ જવા રવાના થઈ છે. આ યુવતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને સુરતથી કચ્છના નડાબેટ પહોંચશે. આ દરમિયાન રસ્તામાં આવેલા ગામો અને નગરોમાં ‘હર ઘર તિરંગા’ના ભાગરૂપે તિરંગાનું પણ વિતરણ કરવામાં આવશે.

નોંધનીય છે કે 75માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશભરમાં આગામી તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. જેને સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા બનાસકાંઠા જિલ્લામાં પણ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત લોકોમાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિ જોવા મળી હતી.

ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન કેન્દ્ર તરીકે ઓળખાતા નડાબેટમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણી માટે સારો માહોલ જોવા મળી રહ્યો છે. નડાબેટ બોર્ડર પર ભારતીય સેનાના હાથમાં બાન અને શાન રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવતો જોવા મળે છે.