Surties : પોલીસના ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર કરાયો જીવલેણ હુમલો, ફેસબુક લાઈવમાં ઘટના થઇ કેદ

Surties: Fatal attack on advocate Mehul Boghra, who exposed police corruption, the incident was captured on Facebook Live
MEhul Boghra (File Image )

પોતાના ફેસબુક લાઈવ, વિડીયો કે પોસ્ટ દ્વારા અવારનવાર પોલીસની અને તંત્રની પોલ ઉઘાડી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આજે પણ સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણા બાબતે એડવોકેટ મેહુલ બોઘરા ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે હુમલાની આ ઘટના કેદ થઇ છે.

મળતી માહિતી પ્રમાણે મેહુલ બોઘરા પાસે આજે સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાણા થઇ રહ્યા હોવાની માહિતી મળી હતી. અને આ ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે તેઓ મોઢા પર રૂમાલ બાંધીને ત્યાં પહોંચ્યા હતા. તે સમયે આ ઉઘરાણું ચાલી રહ્યું હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

મેહુલ બોઘરા દ્વારા આ સમગ્ર ઘટનાનું લાઈવ સોશિયલ મીડિયા ફેસબુક પર કરવામાં આવી રહ્યું હતું. એક બે મિનિટ લાઈવ ચાલ્યા બાદ રીક્ષા પાસે જઈને એક શખ્સ દ્વારા ડંડો કાઢીને મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પણ લાઈવ ગઈ હતી. અને જોતજોતામાં મેહુલ બોઘરા લોહી લુહાણ થઇ ગયા હતા.

આ હાલતમાં પણ તેમણે ફેસબુક લાઈવ ચાલુ રાખ્યું હતું. તેમના મિત્રો દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંતમાં તેઓ એવું પણ જણાવે છે કે આ બાબતે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા સરથાણા પોલીસમાં જઈ રહ્યા છે. પોલીસની હાજરીમાં જ આ જીવલેણ હુમલો કરાયો છે. જોકે આ ઘટના માટે તેઓને ન્યાયની કોઈ અપેક્ષા નથી.

નોંધનીય છે કે મેહુલ બોઘરા દ્વારા આ પહેલા પણ ટ્રાફિક પોલીસ, પોલીસ જવાનો કે તંત્ર દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની પોલ અનેક વખત ખોલવામાં આવી છે. જોકે એની અદાવત રાખીને કે પોતાની ચામડી બચાવવા માટે આજે તેમના પર આ જીવલેણ હુમલો કરાયો હોય એવું ચર્ચાઈ રહ્યું છે. મેહુલ બોઘરા ના આ ફેસબુક લાઈવને હજારો લોકો જોઈ ચુક્યા છે. અને તેમની તરફેણમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. તેમજ પોલીસ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યા ચેહ.