Surties : ઉકાઈના ઉપરવાસમાં સતત છોડાઇ રહેલા પાણીને કારણે રેવાનગર વસાહત નજીક પાણી ઘુસ્યા, 60 લોકોનું સ્થળાંન્તર

લાંબા વિરામ બાદ સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. ઉકાઈ કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને પગલે ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે આજે બપોર સુધીમાં બે ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. અડાજણ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં તાપીના પાણી ઘુસી જતા 60 લોકોનું સ્થળાંતર પણ કરવાની ફરજ ઉભી થઈ છે.

 

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં બનાવવામાં આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે બપોર સુધીમાં ઉકાઈ ડેમનો આઉટફલો 1,90,000 ક્યુસેકની ઉપર જતા રહેતા રાંદેર વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરીનો ફ્લડ ગેટ બંધ થઈ ગયો છે.

તે બાદ થોડા સમયમાં મક્કાઈ પુલનો ફ્લડ ગેટ બંધ થઈ ગયો હતો. તાપી નદીના અડાજણ ખાતે આવેલી નજીકની રેવાનગર ઝૂંપડપટ્ટીમાં તાપીના પાણી ઘુસી ગયા હતા. આ ઝુંપડપટ્ટીમાં રહેતા 60 લોકોને નજીક આવેલી મહાદેવ નગર શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થયા છે તે વિસ્તારમાં ડી વોટરીંગ પંપ મૂકી દેવામાં આવ્યા છે, અને પાણી નો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.