ઓલપાડ ખાતે આયોજીત કાર્યક્રમ દરમ્યાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આગામી ચુંટણીને અનુલક્ષીને કાર્યકરોને તૈયાર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. તેઓએ આ દરમ્યાન સ્પષ્ટ શબ્દોમાં કાર્યકરોને હાંકલ કરી હતી કે આગામી વિધાનસભાની ચુંટણી દરમ્યાન પ્રત્યેક બેઠક 50 હજારની લીડથી જીતવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કર્યા વગર તેઓએ રેવડી કલ્ચર વિરૂદ્ધ પણ આકરા પ્રહાર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમ્યાન જ તેઓનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો હતો અને તેઓએ અંદાજે 40 સેકન્ડ સુધી ભાષણ રોકીને મોબાઈલ પર વાત કરતાં સમારોહ સ્થળે ઉપસ્થિત લાભાર્થીઓ સહિત કાર્યકરોમાં પણ કૌતુહલ જોવા મળ્યું હતું.
ઓલપાડ ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે આજરોજ રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા આયોજીત કરવામાં આવેલા મેગા મેડિકલ કેમ્પ દરમ્યાન સીઆર પાટીલે વધુ એક વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ચિતાર રજુ કરતાં જણાવ્યું હતું કે, આજે દેશ – દુનિયાના તમામ રાજનેતાઓમાં લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જોવા મળી રહ્યું છે.
કોરોના જેવી મહામારીમાં પણ વડાપ્રધાન દ્વારા દેશના છેવાડાના નાગરિકના નિઃશુલ્ક વેક્સીનેશન માટેની ભગીરથ કામગીરી ઉડીને આંખે વળગે છે. તેઓએ કોરોના મહામારી દરમ્યાન જો કોંગ્રેસની સરકાર હોત તો દેશના નાગરિકોની શું સ્થિતિ થઈ હોય તે અંગે પણ લોકોને જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટિને કારણે જ કોરોના જેવી મહામારીમાં પણ દેશના 80 કરોડ નાગરિકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સમારોહ દરમ્યાન સી આર પાટીલે વધુ એક વખત આમ આદમી પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યા વગર રેવડી કલ્ચર દેશ અને રાજ્ય માટે કેટલું ઘાતક છે તે અંગે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, જે હિસાબે લોકો રેવડીવાળા વચનો આપે છે તે પુરા કરવામાં જ રાજ્યના બજેટનું ધનોત પનોત નીકળી જાય તેમ છે. હાલ લોકો જે રીતે મફતિયા વચનો આપી રહ્યા છે તે જોતાં વર્ષે દહાડે 41 હજાર કરોડ કરતાં પણ વધુની રકમ લ્હાણી પાછળ વપરાઈ જાય ત્યારે રાજ્યના વિકાસલક્ષી કાર્યોને પ્રતિકુળ અસર થશે તેમાં કોઈ બેમત નથી. આમ આદમી પાર્ટીને અર્બન નક્સલવાદીઓ સાથે સરખામણી કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આ લોકોને હવે ઓળખી લેવાની જરૂર છે.
Leave a Reply
View Comments