Surties : ગૃહમંત્રી હર્ષ સંઘવીને “ડ્રગ્સ” સંઘવી કહેવું ગોપાલ ઈટાલીયાને પડ્યું ભારે, બદનક્ષીની નોંધાઈ ફરિયાદ

Surties: Defamation complaint filed against Gopal Italia for calling Home Minister Harsh Sanghvi "drugs" Sanghvi
Surties: Defamation complaint filed against Gopal Italia for calling Home Minister Harsh Sanghvi "drugs" Sanghvi

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi )ડ્રગ્સ સંઘવી કહેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ભારે પડ્યું છે. કારણ કે આ જ મુદ્દે બદનક્ષીની એક ફરિયાદ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. રાજ્યમાં ચાલી રહેલા નશાના કારોબાર બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપને આડે હાથ લેવામાં આવી રહી છે. પછી તે ડ્રગ્સની વાત હોય કે લઠ્ઠાકાંડની.

છેલ્લા કેટલાક દિવસોથી ગોપાલ ઈટાલીયા તેમના સંબોધનમાં ગૃહમંત્રીનું નામ લેતી વખતે તેમને હર્ષ સંઘવી નહીં પણ ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધિત કરી રહ્યા છે. આ જ મામલે હવે તેમના વિરુદ્ધ ડિફેમેશનની ફરિયાદ નોંધાઈ છે. જોકે આ મામલે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારા પર ફરિયાદ કરવાથી ગુજરાતમાં નશાનો કારોબાર અટકી નથી જવાનો.

નશાના કારોબાર પર રોક લગાવવાને બદલે મારા પર ફરિયાદ કરવામાં આવી રહી છે, એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. આમ ડ્રગ્સ મુદ્દે હવે રાજનીતિએ જોર પકડ્યું છે. તેવામાં આજે અરવિંદ કેજરીવાલ પણ સુરતની મુલાકાતે ગણપતિની આરતીમાં હાજરી આપવા આવી રહ્યા છે.

થોડા દિવસો પહેલા મનોજ સોરઠીયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો, તે બાદ દિલ્હીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક આવ્યા હતા. અને તેઓએ હત્યાની કોશિશનો ગુનો દાખલ થાય તેવી માંગ કાપોદ્રા પોલીસ પાસે કરી હતી. જોકે આજે અરવિંદ કેજરીવાલની સુરતમાં એજ સ્થળે મુલાકાતથી રાજનીતિ માં ગરમાટો ચોક્કસથી આવી ગયો છે.