Surties : કોંગ્રેસના બંધના એલાનનો સુરત શહેરમાં ફિયાસ્કો

મોંઘવારી અને બેરોજગારી મુદ્દે આક્રામક બની રહેલી કોંગ્રેસ દ્વારા આજે સવારે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે, શહેર – જિલ્લાના કેટલાક વિસ્તારોને બાદ કરતાં મોટા ભાગ કોંગ્રેસના સાંકેતિક બંધના આહ્વાનનો ફિયાસ્કો થવા પામ્યો હતો. એક તરફ રિંગરોડ પર વહેલી સવારથી કોંગ્રેસી કાર્યકરો દ્વારા ચ્હા – નાસ્તાની લારીઓ બંધ કરાવવામાં આવી હતી તો બીજી તરફ જિલ્લામાં ઓલપાડ તાલુકામાં વિવિધ દુકાનો બંધ કરાવવા માટે નીકળેલા સ્થાનિક આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ભારત જોડો યાત્રા દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સવારે 8થી 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

જોકે, શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કોંગ્રેસના આ આહ્વાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. વેપાર – ધંધા તો ઠીક પણ લારી – ગલ્લા અને રેકડીવાળાઓએ પણ કોંગ્રેસના આ આહ્વાનને નકારી દીધો હતો. જો કે, આજે સવારે રિંગરોડ ખાતે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને તેઓના કાર્યકરો દ્વારા દુકાનો બંધ કરાવવાની સાથે – સાથે ગુલાબનું ફુલ આપીને લોકોને કોંગ્રેસના આહ્વાનમાં જોડાવવ અપીલ કરી હતી. જો કે, સ્થાનિક પોલીસ દ્વારા અસલમ સાયકલવાલા સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

બીજી તરફ જિલ્લાના ઓલપાડ ખાતે કોંગ્રેસી આગેવાન અને પ્રદેશ મહામંત્રી દર્શન નાયક દ્વારા વિવિધ વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ વિસ્તારોમાં વેપારીઓના સમર્થન સાથે વેપાર – ધંધા બંધ કરાવવા દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા દર્શન નાયક સાથે 50થી વધુ સ્થાનિક કાર્યકરોની બપોર સુધી અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.