Surties : ચેમ્બર દ્વારા સરસાણા ખાતે તા. 23 થી 25 જુલાઇ દરમ્યાન ‘વિવનીટ એકઝીબીશન’ ની સેકન્ડ સીઝન યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 23 થી 25 જુલાઇ, 2022 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦રર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન, ધ કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) ના પ્રમુખ રાજેશ મસંદના હસ્તે કરવામાં આવશે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બરનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ગત વર્ષે દેશમાં પ્રથમ વખત ચેમ્બર દ્વારા યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ એકઝીબીશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું સેકન્ડ એડીશન યોજાઇ રહયું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જ્યારે લોટસ સ્ટેમ ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ ખાસ કોઇમ્બતુરથી આવીને આ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે. આ ઉપરાંત વિવનીટ પ્રદર્શનમાં લેપેટ ફેબ્રિક પણ બાયર્સનું ખાસ ધ્યાન ખેંચશે. સુરતમાં ખૂબ જ ઓછા વિવર્સ દ્વારા આ ફેબ્રિક બનાવવામાં આવે છે.

ગત વર્ષે યોજાયેલા વિવનીટ એકઝીબીશનમાં એકઝીબીટર્સને છ મહિનામાં જ રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે ગત વર્ષની તુલનામાં વિશાળ એરિયામાં એકઝીબીશન યોજાઇ રહયું છે ત્યારે એકઝીબીટર્સને આશરે રૂપિયા 400 કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઇ રહી છે. તેમણે વધુમાં કહયું કે, ટેકસટાઇલ મેન્યુફેકચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે. આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને કવોલિટીઓ આપવામાં આ એકઝીબીશન મહત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડશે.

વિવનીટ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. 23 જુલાઇ, 2022 ના રોજ સવારે 10 કલાકે સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે સીએમએઆઇના પ્રમુખ રાજેશ મસંદ ઉપસ્થિત રહેશે અને પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરી તેને ખૂલ્લું મુકશે. આ સમારોહમાં ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલ્સના એડીશનલ ટેકસટાઇલ કમિશનર એસ.પી. વર્મા તથા સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતા અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.