Surties : સુરતીઓ સાચવજો, શહેરમાં વકરી રહ્યો છે રોગચાળો, ડીંડોલીની અઢી વર્ષની બાળકીનું ઝાડા ઉલ્ટીમાં મોત

સુરતમાં ગત સપ્તાહે પડેલા ભારે વરસાદ બાદ હવે વિરામ છે. પરંતુ સ્થિતિ એવી સામે આવી રહી છે કે મોસમી રોગચાળો વધ્યો છે. વરસાદ બાદ ઝાડા-ઉલ્ટી અને તાવના કેસો વધી રહ્યા છે. ત્યારે નવગામ ડીંડોલી વિસ્તારની અઢી વર્ષની બાળકીનું ઝાડા-ઉલ્ટીથી મોત નીપજ્યું હતું.
નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતી અઢી વર્ષની હંસિકા સૂરજ ગૌતમનું ઝાડા-ઉલ્ટીથી મોત થયું હતું. હંસિકાને સવારે 4 વાગ્યાથી સતત ઉલ્ટી થઈ રહી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
હંસિકાના પિતા સૂરજ ગૌતમે કહ્યું કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી રોગચાળો વધી રહ્યો છે. દરમિયાન આજે સવારે હંસિકા રડવા લાગી ત્યારે હું અને તેની માતા જાગી ગયા હતા. જે બાદ હંસિકાને સતત ઉલ્ટી થવા લાગી હતી. જેથી અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ આવ્યા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.