Surties : શું વાત કરો !! એપલના સ્પેરપાર્ટ હવે સુરતમાં બનશે !

સુરત અને સુરતીઓને ગૌરવ થાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવે એપલ કંપનીએ સ્પેર પાર્ટ બનાવવા સુરતની પસંદગી કરી હોવાની માહિતી સામે આવી રહી છે. એક અગ્રણી સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ વિશ્વની અલગ અલગ કંપનીઓ દ્વારા પણ ટેન્ડર ભરવામાં આવ્યા હતાં. જેમાં સુરતની એન્જિનિયરિંગ કંપની દ્વારા પણ ટેન્ડર ભરવામાં આવ્યું હતું. સુરતની કંપનીના ભાવો સહિતની શરતો યોગ્ય લાગતા એપલ દ્વારા સુરતીની કંપની સાથે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે.

એપલ મોબાઈલમાં ઉપયોગ થતાં સ્પેરપાર્ટ્સ હવે ચીન નહીં પણ સુરતમાં બનશે

સુરતની હીરા અને એન્જિનિયરિંગ કંપની સાથે જોડાયેલી જાણીતી કંપનીએ એપલ કોર્પોરેશન સાથે 1000 કરોડ રૂપિયાનો એમઓયુ સાઈન કર્યા છે. જેમાં સુરતની કંપની દ્વારા એન્જીનિરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એપલ કંપનીના મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ તૈયાર કરવામાં આવશે.

એપલના એરપોડ્સ પણ ઇન્ડિયામાં બનશે

કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે એપલ કોર્પોરેશન એ૨પોડનું પ્રોડક્શન ભારતમાં ખસેડી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ જાપાનની વેબસાઇટે એ૨પોડ્સ અને બીટ હેડફોન્સનું પ્રોડક્શન ભારતમાં ખસેડવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. હાલમાં જ એપલે પોતાના ફ્લેગશીપ આઇફોન-14 મોડેલનું ઉત્પાદન ભારતમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. આઇફોન-13નું મેન્યુફેક્ચરિંગ પહેલેથી ભારતમાં શરૂ થઈ ગયું છે.ઉલ્લેખનીય છે કે ભારતમાંથી આઇફોનની નિકાસ છેલ્લા 5 મહિનામાં 1 અબજ ડૉલરને પાર થઈ ચૂકી છે.

હવે એમઓયુ ફાઈનલ થયા છે. સુરતની એન્જિનિયરિંગ કંપની દ્વારા ટૂંક સમયમાં જ પ્રોડક્શન પણ ચાલુ કરી દેવામાં આવશે. 2025 સુધીમાં આઇફોનના તમામ મોડલ ભારતમાં બનશે.

માહિતી સોર્સ : દિવ્ય ભાસ્કર