હવામાન ખાતાની આગાહી સાચી પડતા સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.તેમાં પણ જિલ્લામાં સૌથી વધારે વરસાદનું જોર બારડોલી અને પલસાણા તાલુકામાં રહ્યું હતું..પલસાણા માં બલેશ્વર ખાડીના પાણી ન સ્તર ઊંચા આવતા જનજીવનને ભારે હાલાકી પડી હતી. નેશનલ હાઇવે નંબર 48 પર પાણી ફરી વળતા વાહનચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો. તે જ પ્રમાણે બારડોલી પણ વરસાદમાં બેહાલ જોવા મળ્યું હતું. અહીં આવેલી વિઠઠલ વાડીમાં પાણી ઘુસી જતા લગ્ન પ્રસંગ માટે મુકવામાં આવેલા ફ્રીજ, સોફા સહિતના વધુ સામાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આજે પણ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી હોય વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ઉકાઈના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. એટલું જ નહીં પુણા કુંભારીયા પાસે ખાડીના સ્તર ઊંચા આવતા પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાવાની પણ પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી. તે જ પ્રમાણે લીંબાયત મીઠી ખાડીના પણ લેવલ ઊંચા આવતા અહીં કિનારે રહેતા લોકોના જીવ ઉચાટમાં મુકાયા હતા.
આજે પણ સવારથી સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો આ જ પ્રમાણેનો વરસાદ વરસતો રહેશે તો ખાડી કાંઠે રહેતા લોકોની મુશ્કેલીમાં ઓર વધારો થઈ શકે છે, એ વાત નકારી શકાય એમ નથી.
હાલ વહીવટી તંત્ર દ્વારા સારોલી, સણિયાહેમાદ અને પુણા કુંભારીયા વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓના લેવલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કારણ કે ઉપરવાસ અને શહેરમાં જો આ જ પ્રકારે વરસાદનું જોર રહેશે તો શહેરમાં ખાડી પુર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વહીવટી તંત્ર દ્વારા અહીં સ્થળાંન્તર અને રાહત કામગીરી માટે તૈયારી કરી દેવામાં આવી છે.
Leave a Reply
View Comments