શહેરના વેસુ(Vesu ) વિસ્તારમાં રહેતા અગ્રવાલ પિતા-પુત્રએ એક શ્રમજીવી યુવકને પોતાની વાતોમાં ભોળવી તેના પાંચ લાખ રૂપિયા પડાવી લઇ ઠગાઈ કરી હતી. યુવકને તેની લોન પાસ કરાવી આપવાનું કહી તેની પાસેથી ડોક્યુમેન્ટ અને ફાઈલ લોગિંગ માટે એડવાન્સમાં લીધેલા ચેકનો દુરપયોગ કર્યો હતો. બંને ઠગબાજોએ પહેલા તો લોન લેનાર યુવકના ખાતામાંથી 16લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં ઠગબાજ પિતા-પુત્રએ આ પૈસા પાનના ગલ્લાવાળાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે ભાંડો ફુટી જતા 16 લાખમાંથી રૂપિયા ૫ લાખ લઈને ફરાર થઇ ગયા હતા.
બનાવની વિગત એવી છે કે ઉધના ચીકુવાડીની પાસે શ્રીરામ કુટીર સોસાયટીમાં રહેતા અને ઉત્સળ પાઉનો ધંધો કરતા ભુષણ જ્ઞાનેશ્વર પાટીલ (ઉ.વ.32) જુલાઈ 2021માં ફાયર ફાયટીંગનું કામકાજ કરતા પ્રગ્ના એજન્સીમાં સાઈટ એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો. તે વખતે તેમની એજન્સીની સીટીલાઈટ બેન્ક અોફ બરોડાની બાજુમાં આર્શિવાદ ડેવલોપર્સના મોલમાં સાઈટ ચાલતી હતી. આ સમયે આર્શિવાદ ડેવલોપર્સના પટાવાળા ક્રિશ સંદિપ અગ્રવાલ (રહે,સાંઈકુપા સોસાયટી બમરોલી પાંડેસરા) સાથે પરિચય થયો છે.
ભુષણ પાટીલે તેને હોમલોન માટે વાત કરતા તેમણે બેન્ક પ્રોસેસ માટેના ડોક્યુમેન્ટ અને બે ચેક લીધા હતા. ક્રિશ અગ્રવાલે 29 લાખની લોન પણ પાસ કરી આપી હતી. જોકે ત્યારબાદ ક્રિશ અગ્રવાલ અને તેના પિતા સંદિપ અગ્રવાલે એડવાન્સમાં લીધેલા ચેકનો દુરપયોગ કરી ભુષણના ખાતામાં લોનના જમા થયેલી રકમમાંથી રૂપિયા 16 લાખ પાનના ગલ્લાવાળા સુરેશ સુવરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
ખાતામાંથી પૈસા કપાતા ભુષણ ચોકી ઉઠ્યો હતો. તપાસ કરતા સુરેશને સંર્પક કરતા ક્રિશ અગ્રવાલે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું બહાર આવતા તેનો ભાંડો ફુટી ગયો હતો. અને ભુષણે સુરેશના ખાતામાંથી ૧૧ લાખ સીઝ કરાવી દીધા હતા. જયારે તે પહેલા ક્રિશ અગ્રવાલે સુરેશ પાસેથી ૫ લાખ ઉપાડી ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે ભુષણ પાટીલની ફરિયાદને આધારે અગ્રવાલ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Leave a Reply
View Comments