સુરતમાં ગુનેગારોએ ફરી એકવાર શહેર પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર નજીક મોર્નિંગ નીકળેલા એક વેપારી યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં વેપારી યુવકને ખભાના ભાગે ગોળી વાગે છે. ગોળી વાગતા યુવાનને 108 ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ લાલગેટ વિસ્તારમાં પણ સરેઆમ ફાયરિંગની ઘટના સામે આવી હતી ત્યાં ફરી એકવાર માથાભારે ઈસમો સક્રિય થયા હોય અને પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.
વધુ મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિરેન મોરડીયા જે કાપડનો બિઝનેસ કરે છે તેમજ કડોદરા વિસ્તારમાં પોતાની મિલ ધરાવે છે. તે વેપારી પર આજે સવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા અજાણ્યા બે ઈસમો એક રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવીના આધારે આ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
જોકે ફાયરિંગ કયા કારણસર કરવામાં આવ્યું તે માહિતી હજી સુધી સામે આવ્યું નથી. યુવકની કોઈ જૂની દુશ્મનાવટ હતી કે ધંધાકીય અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
Leave a Reply
View Comments